LSG vs RCB : IPL 2026 ની સિઝનમાં ગુરુવારે રમાયેલી મેચ ક્રિકેટ ફેન્સ માટે ફૂલ એન્ટરટેઈનમેન્ટ પેકેજ સાબિત થઈ. લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 9 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં મહત્વના અંક મેળવ્યા છે. મિચેલ માર્શની વિસ્ફોટક સેન્ચુરી અને યુવા બોલર પ્રિન્સ યાદવની ઘાતક બોલિંગે આ મેચને યાદગાર બનાવી દીધી હતી.
કૃણાલ પંડ્યા અને નિકોલસ પૂરન વચ્ચે તણાવ
મેચ દરમિયાન હાઇ-વોલ્ટેજ ડ્રામા ત્યારે જોવા મળ્યો જ્યારે લખનઉનો એક્સ ખેલાડી કૃણાલ પંડ્યા અને લખનઉના બેટ્સમેન નિકોલસ પૂરન વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ. RCB તરફથી કૃણાલ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે પૂરન સામે એક તીખો બાઉન્સર નાખ્યો, જે પૂરન માટે એકદમ અણધાર્યો હતો. પૂરન આ બોલ પર માંડ માંડ બચ્યો અને તે સહજ દેખાયો નહીં. ઓવર પૂરી થયા પછી જ્યારે બંને ખેલાડીઓ આમને-સામને આવ્યા ત્યારે તેમની વચ્ચે શબ્દોની આપ-લે થઈ હતી. જોકે, ટીમના અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરતાં મામલો તરત જ શાંત પડ્યો હતો.
વરસાદનું વિઘ્ન અને કેમેરામેન સાથે અકસ્માત
આ મેચમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ કુદરતે પણ પોતાની હાજરી પુરાવી હતી. પ્રથમ ઇનિંગ દરમિયાન વરસાદને કારણે મેચ ત્રણ અલગ-અલગ સમયે રોકવી પડી હતી, જેનાથી ખેલાડીઓની લય વારંવાર તૂટતી હતી. બીજી તરફ, મિચેલ માર્શ જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જોશ હેઝલવુડના બોલ પર એટલો જોરદાર છગ્ગો ફટકાર્યો કે બોલ સીધો બાઉન્ડ્રી પર ઉભેલા કેમેરામેનના માથા પર વાગ્યો. સદનસીબે કેમેરામેનને કોઈ મોટી ગંભીર ઈજા થઈ નહોતી અને પ્રાથમિક સારવાર બાદ મેચ ચાલુ રહી હતી.
રિષભ પંતનું બેટ હવામાં ઉડ્યું અને જીવનદાન મળ્યું
મેચની 17 મી ઓવરમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો. રિષભ પંતે હેઝલવુડના બોલ પર એટલી તાકાતથી શોટ માર્યો કે તેના હાથમાંથી બેટ છૂટીને લેગ સાઇડમાં દૂર જઈને પડ્યું. આશ્ચર્યની વાત એ હતી કે બેટ હાથમાં ન હોવા છતાં બોલ પોઈન્ટ બાઉન્ડ્રીની બહાર ચોગ્ગા માટે ગયો હતો. આ જ ઓવરમાં પંતને નવું જીવનદાન પણ મળ્યું હતું, જ્યારે ફિલ્ડર બેથેલે તેનો કેચ છોડ્યો હતો. જોકે, આ કેચ પકડવાના પ્રયાસમાં બેથેલની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગતા તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.
પ્રિન્સ યાદવે વિરાટ કોહલીને 'ઝીરો' પર કર્યો બોલ્ડ
બેંગલુરુની ઇનિંગની બીજી જ ઓવરમાં સૌથી મોટો ધડાકો થયો હતો. યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. 140 કિમીની સ્પીડે આવેલો બોલ કોહલીના ઓફ સ્ટમ્પને ઉખેડી નાખ્યો હતો. ખાસ વાત એ છે કે, આઉટ થવાની આ ઘટનાએ એક જૂનો ઈતિહાસ તાજો કરી દીધો છે. વિરાટ કોહલી IPL માં રન ચેઝ (બીજી ઇનિંગમાં બેટિંગ) દરમિયાન માત્ર બીજી વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પહેલા વર્ષ 2017 માં જ્યારે RCB ની ટીમ KKR સામે માત્ર 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારે કોહલી 'ડક' પર આઉટ થયો હતો. હવે આટલા વર્ષો પછી પ્રિન્સ યાદવે કોહલીને ફરીથી રન ચેઝમાં શૂન્ય રને આઉટ કરવાનું કારનામું કરી બતાવ્યું છે. કોહલી જેવા મોટા ખેલાડીની વિકેટ લીધા બાદ પ્રિન્સ યાદવનો ઉત્સાહ જોવા જેવો હતો. તેણે હવામાં ઉંચી છલાંગ લગાવીને ફૂટબોલ સ્ટાઇલમાં જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ખેલાડીની હાલત અત્યંત નાજુક!: હોસ્પિટલમાં જિંદગીની લડાઈ લડી રહ્યો છે 'ફાઇટર'
મિચેલ માર્શની ઐતિહાસિક અને સૌથી ઝડપી સેન્ચુરી
લખનઉ તરફથી મિચેલ માર્શે બેટિંગમાં પાયમાલી સર્જી હતી. તેને માત્ર 49 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી, જે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ઇતિહાસની સૌથી ઝડપી સદી છે. આ અગાઉ રિષભ પંતે 2025 માં 54 બોલમાં સદી ફટકારી હતી, જેનો રેકોર્ડ હવે માર્શે તોડી નાખ્યો છે. માર્શની આ ઇનિંગને કારણે જ લખનઉ મોટો સ્કોર બનાવી શક્યું હતું.
IPL ના અંતિમ તબક્કામાં BCCI નું મોટું એક્શન!: ખેલાડીઓ માટે ‘હની-ટ્રેપ એલર્ટ’, હોટલ રૂમમાં થશે સરપ્રાઈઝ ચેકિંગ
ભુવનેશ્વર કુમારનો નવો કીર્તિમાન
હાર છતાં બેંગલુરુના બોલર ભુવનેશ્વર કુમારે એક મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તેઓ IPL ઇતિહાસમાં 200 મેચ રમનારા પ્રથમ ફાસ્ટ બોલર બની ગયા છે. આ લિસ્ટમાં એમ. એસ. ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો છે, પરંતુ એક ફાસ્ટ બોલર તરીકે આટલી લાંબી કારકિર્દી ભુવીની ફિટનેસ અને સાતત્યતા દર્શાવે છે.





