Home Business Lpg Booking Rules Change May 2026 India

બુકિંગ, OTP અને ભાવ... : 1 મે 2026થી LPG બુકિંગ નિયમોમાં આવશે બદલાવ?

lpg સિલિન્ડરો
Published by: Chintan Chavda
Last Updated: Apr 28, 2026, 03:30 AM IST

ભારતમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) વપરાશકર્તાઓ માટે 1 મે 2026 થી કેટલાક મહત્વના બદલાવ શક્ય છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા વૈશ્વિક ઊર્જા સંકટ અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે LPG સપ્લાય પર દબાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસ બુકિંગ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફારો પર વિચાર કરી રહી છે.

આ ફેરફારોને લઈને સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં અનેક દાવા થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય છે કે મોટા ભાગના બદલાવ હજી “સંભવિત” અથવા “ચર્ચા હેઠળ” છે, સત્તાવાર જાહેરાત દરેક મુદ્દે થઈ નથી. તેથી ગ્રાહકોએ સાવચેતી સાથે માહિતી સમજવી જરૂરી છે.

બુકિંગ વચ્ચેનો ગેપ વધી શકે

રિપોર્ટ્સ અનુસાર, LPG સિલિન્ડર ફરીથી બુક કરવા માટેની સમયમર્યાદા વધારવાની ચર્ચા છે. હાલમાં શહેરી વિસ્તારોમાં લગભગ 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનો ગેપ છે, જે સપ્લાય મેનેજમેન્ટ માટે રાખવામાં આવ્યો છે.

નવી ચર્ચા મુજબ, બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકો માટે આ ગેપ 30 દિવસથી વધીને 35 દિવસ સુધી થઈ શકે છે.

આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છે-

  • ગેસની અછત દરમિયાન સમાન વિતરણ

  • બ્લેક માર્કેટિંગ અને સ્ટોકિંગ રોકવું

  • દરેક ઘરમાં સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવી

OTP આધારિત ડિલિવરી વધુ કડક બનશે

તાજેતરમાં LPG ડિલિવરીમાં OTP (One Time Password) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેને હવે વધુ કડક અને વ્યાપક બનાવવાની શક્યતા છે.

નવી પ્રસ્તાવિત વ્યવસ્થામાં, ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે અને ડિલિવરી બોયને તે કોડ આપ્યા વગર સિલિન્ડર આપવામાં નહીં આવે. આથી ફ્રોડ અને ગેરકાયદેસર ડાયવર્ઝન રોકવામાં મદદ મળશે.

સરકારી આંકડાઓ મુજબ, હાલમાં લગભગ 94% LPG ડિલિવરી OTP આધારિત થઈ રહી છે, જે પારદર્શિતા વધારવામાં મહત્વપૂર્ણ છે.

ગેસના ભાવમાં ફેરફાર શક્ય

દર મહીનાની પહેલી તારીખે LPG ના ભાવોમાં ફેરફાર થતો રહે છે, અને 1 મે 2026 એ પણ ભાવ વધવાની શક્યતા છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે, જેના કારણે કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડર બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ખાસ કરીને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં છેલ્લા સમયમાં સતત વધારો નોંધાયો છે, જ્યારે ઘરેલુ 14.2 કિલોના સિલિન્ડર પર પણ દબાણ છે.

ડિજિટલ બુકિંગ અને e-KYC પર ભાર

LPG સિસ્ટમ ઝડપથી ડિજિટલ બની રહી છે. હાલમાં લગભગ 98% LPG બુકિંગ ઓનલાઇન થઈ રહી છે, જે ભવિષ્યમાં સંપૂર્ણ ડિજિટલ મોડલ તરફ સંકેત આપે છે.

નવી નીતિમાં e-KYC (આધાર આધારિત ચકાસણી) ફરજિયાત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી સબસિડી અને વપરાશની પારદર્શિતા વધે.


આ પણ વાંચો: "તાત્કાલિક ગેસ બિલ નહીં ભરો, તો કાપી નાખીશું કનેક્શન" : આવા મેસેજ આવે તો ચેતી જજો! જાણો સ્કેમથી બચવા શું કરવું

સરકાર શું કહે છે?

સરકાર અને સંબંધિત વિભાગો તરફથી હજી સુધી તમામ ફેરફારો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક રિપોર્ટ્સમાં સ્પષ્ટ કરાયું છે કે હાલની સપ્લાય “પૂર્ણપણે ચાલુ” છે અને ગભરાવાની જરૂર નથી.

અત્યારે ચર્ચા હેઠળના બદલાવોને લઈને અંતિમ નિર્ણય આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now