Delimitation Bill: વસ્તી વધારો કે વિકાસ? લોકસભાની નવી બેઠકો નક્કી કરવામાં ક્યાં લોચો છે અને દક્ષિણના રાજ્યોને શા માટે ડર લાગે છે, અહીં સમજો સાદી ભાષામાં. ભારતમાં ટૂંક સમયમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં મોટો ફેરફાર થઈ શકે છે. જેને આપણે ટેકનિકલ ભાષામાં 'ડિલિમિટેશન' કહીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો, કયા રાજ્યમાં લોકસભાની કેટલી બેઠકો હશે તેની નવી સીમાઓ નક્કી કરવી. હવે આ વાત સાંભળવામાં તો સારી લાગે છે, પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારથી જ આ બાબતે ઉકળાટ શરૂ થયો છે.
ડિલિમિટેશન એટલે શું?
સીધું ગણિત છે-જેમ વસ્તી વધે એમ નેતાઓ પણ વધવા જોઈએ જેથી લોકોના કામ થઈ શકે. છેલ્લે 1971માં આ બેઠકો નક્કી થઈ હતી. એ સમયે નક્કી થયું હતું કે વસ્તી પ્રમાણે બેઠકો વહેંચવી. પણ પછી ખબર પડી કે જે રાજ્યો વસ્તી વધારે છે તેમને વધુ બેઠકો મળશે અને જે રાજ્યો વસ્તી ઘટાડવાના સરકારી પ્રોગ્રામ માને છે તેમને નુકસાન થશે. એટલે સરકારે આ પ્રક્રિયા 2026 સુધી અટકાવી દીધી હતી.
અસલી વિવાદ શું છે?
અત્યારે સ્થિતિ એવી છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વસ્તી ખૂબ વધી છે. બીજી તરફ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે.
હવે જો 2026 પછી નવી વસ્તી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે, તો થશે એવું કે:
યુપી અને બિહાર જેવા રાજ્યોની લોકસભા બેઠકો વધી જશે.
દક્ષિણના રાજ્યોની બેઠકો વસ્તીના રેશિયો મુજબ ઓછી થઈ જશે.
દક્ષિણના રાજ્યોનો તર્ક: 'સારું કામ કરવાની સજા?'
દક્ષિણના નેતાઓનું કહેવું છે કે, "અમે ભણતર વધાર્યું, હોસ્પિટલો સારી કરી અને વસ્તી કંટ્રોલ કરી. હવે આ સારું કામ કરવા બદલ અમારી બેઠકો ઘટાડવી એ તો સજા આપવા જેવું થયું." તેમને ડર છે કે જો બધી જ સત્તા ઉત્તર ભારતના હાથમાં જતી રહેશે, તો દક્ષિણનો અવાજ દિલ્હીમાં દબાઈ જશે.
આ પણ વાંચોઃ સસંદ ભવન ચલાવવામાં થાય છે અધધ ખર્ચ... : એક એક મિનિટ પડે છે લાખો રૂપિયામાં
કેન્દ્ર સરકારનો પક્ષ
સરકાર માને છે કે લોકશાહીમાં વસ્તી જ સર્વોપરી છે. જો એક સાંસદ 20 લાખ લોકોનું ધ્યાન રાખતો હોય અને બીજો 50 લાખનું, તો એ અન્યાય છે. એટલે સમાનતા લાવવા માટે આ ફેરફાર જરૂરી છે.
રસ્તો શું નીકળી શકે?
નિષ્ણાતો કહે છે કે જો માત્ર બેઠકોની વહેંચણી કરવાને બદલે કુલ બેઠકો જ વધારી દેવામાં આવે (જેમ કે 543 થી વધારીને 800 થી વધુ), તો કદાચ કોઈને નુકસાન ન થાય. પણ આમાં પણ દક્ષિણના રાજ્યોનો દબદબો તો ઘટવાનો જ છે.
આ મુદ્દો આવનારા દિવસોમાં દેશના રાજકારણમાં મોટું તોફાન લાવશે. આ માત્ર આંકડાની રમત નથી, પણ દેશના બે ભાગો વચ્ચેના સંતુલનની વાત છે. કેન્દ્ર અને રાજ્યોએ સાથે બેસીને એવો રસ્તો કાઢવો પડશે જેથી વિકાસ કરનારા રાજ્યોને અન્યાય ન લાગે.





