Local Body Elections: ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની અધ્યક્ષતામાં એક હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા અને દરેક જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂંક કરવા અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપે સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ મીડિયા ટીમની પણ જાહેરાત કરી છે, જેમાં નવા સહ-પ્રવક્તાઓ અને સહ-ઈન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી છે.
ચૂંટણી લક્ષી નિરીક્ષકોની નિમણૂંક: સ્ત્રી-પુરુષ સમીકરણ પર ભાર
મળતી માહિતી અનુસાર,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને પક્ષની કામગીરી પર દેખરેખ રાખવા માટે ભાજપ દરેક જિલ્લામાં 3 નિરીક્ષકોની નિમણૂંક કરશે. આ નિમણૂંકમાં પક્ષે લિંગ સમાનતા અને વ્યાપક પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો છે. નક્કી કરાયેલા માળખા મુજબ, દરેક જિલ્લામાં 1 મહિલા નિરીક્ષક અને ૨ પુરુષ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. આ નિરીક્ષકોને તેમના ચોક્કસ વિસ્તારોની સોંપણી કરીને સંગઠનની કામગીરી સોંપવામાં આવશે.

મંત્રીમંડળ અને પ્રદેશ નેતાઓની હાજરીમાં મંથન
બેઠકની ગંભીરતાને જોતા રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને તમામ જિલ્લા પ્રમુખોને હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મનીષાબેન વકીલ, સંજયસિંહ મહીડા, દર્શનાબેન વાઘેલા, કમલેશ પટેલ, રમણ સોલંકી, પ્રદ્યુમ્ન વાંઝા અને કૌશિક વેકરિયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. આ નેતાઓની હાજરીમાં આગામી ચૂંટણીના રોડમેપ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાને નાયબ મુખ્યમંત્રીએ વધાવ્યો : ગુજરાતની જનતા વતી PM મોદીને કહી આ વાત
પ્રદેશ મીડિયા ટીમની જાહેરાત: નવા ચહેરાઓને સ્થાન
ભાજપ પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ મીડિયા સેલમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પક્ષે 7 નવા પ્રદેશ સહ-પ્રવક્તાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મીડિયા વિભાગમાં સંકલન વધારવા માટે ૨ નવા સહ-ઈન્ચાર્જની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રદેશ સહ-પ્રવક્તાઓ:
ધવલભાઈ પટેલ (સાંસદ): વલસાડ
અશ્વિનભાઈ ભોંકર: કર્ણાવતી (અમદાવાદ)
જયરાજસિંહ પરમાર: મહેસાણા
ઘનશ્યામભાઈ ગઢવી: અમદાવાદ જિલ્લો
મનજીભાઈ આહીર: કચ્છ
હેમાલીબેન બોઘાવાલા: સુરત શહેર
શ્વેતાબેન બ્રહ્મભટ્ટ: કર્ણાવતી (અમદાવાદ)
નવનિયુક્ત પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જ:
ઝુબીન આશરા: કર્ણાવતી
કલ્પ પટેલ: ગાંધીનગર શહેર





