દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં કન્ટેનર મારફતે કૂલર ની જાળીઓ (ગ્રિલ્સ)ની આડમાં છુપાવી લઈ જવાતો અંદાજે 46 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી દારૂ તસ્કરોની નવી રીત સામે આવી છે, જેમાં કાયદાની નજરથી બચવા માટે કૂલર સામગ્રીનો સહારો લેવામાં આવ્યો હતો.
68 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, કતવારા પોલીસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યો હતો. તપાસ કરતાં કન્ટેનરમાં કૂલર ની જાળીઓનો મોટો જથ્થો દેખાયો, પરંતુ પોલીસને શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન જાળીઓની આડમાં વિદેશી દારૂની બોટલો સુવ્યવસ્થિત રીતે છુપાવેલી હોવાનું બહાર આવ્યું. પોલીસે તરત જ દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ કેસમાં પોલીસે હરિયાણાના ટ્રક ચાલક તારીફખાન જમીલ અહમદ સૈયદની ધરપકડ કરી છે. પોલીસે દારૂ સહિત કન્ટેનર અને અન્ય સાધનો મળી કુલ 68 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
હરિયાણાના સંદીપકુમાર તેમજ મહેસાણાના એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર
પોલીસ તપાસમાં આ દારૂ હરિયાણાથી મધ્યપ્રદેશ મારફતે ગુજરાતમાં સપ્લાય થવાનો હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કમાં સંકળાયેલા હરિયાણાના સંદીપકુમાર તેમજ મહેસાણાના એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની ધરપકડ માટે પોલીસ ટીમો બનાવાઈ છે અને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કતવારા પોલીસે જણાવ્યું છે કે દારૂ તસ્કરો દ્વારા અપનાવવામાં આવતી નવી-નવી રીતો પર કડક નજર રાખવામાં આવી રહી છે. કૂલર ની જાળીઓ જેવી સામાન્ય દેખાતી સામગ્રીની આડમાં થતી દારૂની હેરાફેરી સામે આવતાં પોલીસે ચેકિંગ વધુ કડક બનાવ્યું છે. આ કાર્યવાહીથી દારૂ તસ્કરીના રેકેટને મોટો ફટકો પડ્યો હોવાનું પોલીસનું માનવું છે.






