Lenskart : દેશની સૌથી મોટી આઇવેર રિટેલર કંપની Lenskart અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે. કંપનીની કથિત 'ગ્રૂમિંગ પોલિસી' માં તિલક, બિંદી અને કલાવા જેવા હિંદુ ધાર્મિક પ્રતીકો પર રોક લગાવવાની વાત સામે આવતા જ સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી વિરોધ શરૂ થયો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન બાદ આ મામલે રાજકીય રંગ પકડ્યો છે અને અનેક રાજ્યોમાં પ્રદર્શનો તેજ બન્યા છે.
બાગેશ્વર બાબાના આકરા વેણ
મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ મામલે અત્યંત કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે એક જાહેર મંચ પરથી લેન્સકાર્ટના પ્રમોટર્સને લપડાક લગાવતા કહ્યું કે, જો તેમને ભારતીય સંસ્કૃતિ અને તિલક-કલાવા સાથે આટલી જ સમસ્યા હોય તો તેમણે પોતાની કંપની પાકિસ્તાનના લાહોરમાં જઈને ખોલવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે શું આ ભારત તેમના કાકાનું છે? તેમણે કહ્યું કે આ ભારત સનાતનીઓના બાપનું છે અને અહીં સંસ્કૃતિનું અપમાન સહન કરવામાં આવશે નહીં.
મધ્યપ્રદેશ : ભોપાલમાં મંત્રોચ્ચાર સાથે વિરોધ
ભોપાલના ન્યૂ માર્કેટ વિસ્તારમાં આવેલા લેન્સકાર્ટ સ્ટોર પર હિંદુ ઉત્સવ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ સ્ટોરની અંદર જઈને દરેક હિંદુ કર્મચારીના કપાળ પર કુમકુમનું તિલક કર્યું હતું અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના કાંડા પર કલાવો (રક્ષા સૂત્ર) બાંધ્યો હતો. સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ ચેતવણી આપી હતી કે, જો કંપની પોતાની આ નબળી માનસિકતાવાળી પોલિસી પાછી નહીં ખેંચે, તો ભોપાલના એક પણ સ્ટોરને ચાલવા દેવામાં આવશે નહીં.
છત્તીસગઢ : રાયપુરમાં ભાવુક દ્રશ્યો અને તોડફોડની ચેતવણી
રાયપુરમાં એક ધાર્મિક સંગઠનના સભ્યો લેન્સકાર્ટ શોરૂમમાં પહોંચ્યા ત્યારે સ્થિતિ તંગ બની ગઈ હતી. કાર્યકરોએ કર્મચારીઓને પૂછ્યું કે, શું તેમને હિંદુ હોવા પર શરમ આવે છે? તેમણે કર્મચારીઓને આગ્રહ કર્યો કે, તેઓ ગ્રાહકોને ગર્વથી કહે કે તેઓ હિંદુ છે. આ દરમિયાન એક મહિલા ગ્રાહક એટલી રોષે ભરાઈ હતી કે, તેણે પોતાના મોંઘા લેન્સકાર્ટના ચશ્મા કાઢીને જમીન પર ફેંકી દીધા અને કહ્યું કે, જે કંપની મારા ધર્મનું સન્માન નથી કરતી તેના પ્રોડક્ટસ મારે જોઈતા નથી.
ઉત્તર પ્રદેશ : ગાઝિયાબાદમાં ધારાસભ્યની એન્ટ્રી
લોનીના ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આ વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે. તેમણે પોતાના સમર્થકો સાથે સ્ટોરની મુલાકાત લીધી અને કંપનીના માલિક પીયૂષ બંસલ પર ગંભીર આક્ષેપો કર્યા. ધારાસભ્યએ કહ્યું કે, આ પ્રકારની પોલિસી પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોઈ શકે છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, કંપનીના માલિકોના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઉત્તર પ્રદેશની ધરતી પર સનાતનનું અપમાન કરનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : લેનસ્કાર્ટનાં CEOની પત્ની નિધી મિત્તલ બન્સલનું X એકાઉન્ટ ડીએક્ટિવેટ : જુના ટ્વીટ્સ વાયરલ થતાં થયો વિવાદ
મહારાષ્ટ્ર : મુંબઈમાં હંગામો અને શરિયાનો આરોપ
મુંબઈના અંધેરીમાં ભાજપના નેતા નાઝિયા ઇલાહી ખાન (નાઝિયા સનાતની)એ લેન્સકાર્ટ સ્ટોરમાં જઈને મેનેજમેન્ટની ક્લાસ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કંપની હિજાબને મંજૂરી આપીને પરોક્ષ રીતે શરિયા કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સનાતન ધર્મના ચિહ્નો પર પ્રતિબંધ મૂકી રહી છે. તેમણે મેનેજર સાથે લાંબી દલીલ કરી હતી અને ત્યાં હાજર તમામ હિંદુ કર્મચારીઓને તિલક લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પીયૂષ બંસલની સફાઈ
ચારેબાજુથી ઘેરાયેલા લેન્સકાર્ટના સ્થાપક પીયૂષ બંસલે ટ્વિટર (X) પર આવીને સ્પષ્ટતા આપી છે. તેમણે દાવો કર્યો છે કે, જે ગ્રૂમિંગ ગાઈડલાઈન ઇન્ટરનેટ પર ફરી રહી છે તે ઘણી જૂની છે અને હાલમાં કંપનીમાં આવી કોઈ પોલિસી નથી. તેમણે કહ્યું કે, લેન્સકાર્ટ એક સર્વધર્મ સમભાવમાં માનતી કંપની છે અને તે પોતાના કર્મચારીઓની શ્રદ્ધાને માન આપે છે. જોકે, પ્રદર્શનકારીઓ આ સફાઈથી સંતુષ્ટ જણાતા નથી.





