Lenskart : પ્રખ્યાત આઈવેર કંપની લેન્સકાર્ટ (Lenskart) હાલમાં તેના કર્મચારીઓના ડ્રેસ કોડને લઈને મોટા વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર એક કથિત પોલિસી ડોક્યુમેન્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો જેવા કે બિંદી અને તિલક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિવાદ વધતાં કંપનીના CEO પીયૂષ બંસલે પોતે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે.
વિવાદની શરૂઆત
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક્ટિવિસ્ટ શેફાલી વૈદ્યએ એક સ્ક્રીનશોટ શેર કર્યો. આ સ્ક્રીનશોટમાં કંપનીની 'ગ્રૂમિંગ ગાઈડ' બતાવવામાં આવી હતી. તેમાં કર્મચારીઓને બિંદી, તિલક કે હાથમાં કલાવા પહેરવાની મનાઈ કરવામાં આવી હતી. શેફાલી વૈદ્યએ સીધો સવાલ પૂછ્યો કે, લેન્સકાર્ટમાં હિજાબ પહેરવો યોગ્ય છે તો બિંદી અને કલાવા કેમ નહીં? આ ટ્વીટ બાદ લોકોએ લેન્સકાર્ટનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
પીયૂષ બંસલનો ખુલાસો
વિવાદ વકરતો જોઈ લેન્સકાર્ટના ફાઉન્ડર અને CEO પીયૂષ બંસલે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, વાયરલ થઈ રહેલું ડોક્યુમેન્ટ ઘણું જૂનું છે અને તે વર્તમાન પોલિસીનો ભાગ નથી. પીયૂષ બંસલે કહ્યું કે, કંપની દરેક ધર્મ અને સંસ્કૃતિનું સન્માન કરે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, દેશભરના હજારો કર્મચારીઓ તેમની શ્રદ્ધા મુજબ ગર્વથી તિલક કે બિંદી પહેરે છે અને કંપનીને તેમાં કોઈ વાંધો નથી.
વાયરલ ડોક્યુમેન્ટની વિગતો
સોશિયલ મીડિયા પર જે 'ગ્રૂમિંગ ગાઈડ' ચર્ચામાં છે, તેમાં મહિલા કર્મચારીઓને સ્ટોર પર બિંદી લગાવવાની મનાઈ હોવાનું લખ્યું છે. ઉપરાંત હાથમાં પહેરેલા ધાર્મિક દોરા (કલાવા) હટાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. બીજી તરફ, હિજાબ અને પાઘડી માટે શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં હિજાબનો રંગ કાળો હોવો જોઈએ અને તેનાથી કંપનીનો લોગો ઢંકાવો જોઈએ નહીં તેવી સૂચના હતી. જોકે, CEO એ આ તમામ વાતોને હવે અપ્રસ્તુત ગણાવી છે.
કંપનીની આર્થિક સ્થિતિ
આ વિવાદ વચ્ચે લેન્સકાર્ટની આર્થિક પ્રગતિના સમાચાર પણ સામે આવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. લેન્સકાર્ટનો નેટ પ્રોફિટ ગયા વર્ષના 1.85 કરોડ રૂપિયાથી વધીને સીધો 131 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આમ, બિઝનેસની દ્રષ્ટિએ કંપની સતત મજબૂત બની રહી છે, પરંતુ ડ્રેસ કોડના વિવાદે કંપનીની બ્રાન્ડ ઇમેજ પર સવાલો ઉભા કર્યા છે.





