Home Tech/Gadgets Laptop Buying Guide Features To Avoid

લેપટોપ ખરીદતા પહેલા આ 4 ફીચર્સ અવગણો : સમજદારીથી પસંદગી કરો અને બચાવો તમારા હજારો રૂપિયા

Overrated Laptop Feature
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jul 05, 2026, 08:56 AM IST

Overrated Laptop Feature : ટેકનોલોજી સતત બદલાતી જ રહી છે અને તેના સીધા પ્રભાવ તરીકે લેપટોપના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં સ્ટોરેજ અને મેમરી ચિપ્સના ખર્ચમાં વધારો થતાં લેપટોપની કિંમત સામાન્ય ગ્રાહકો માટે ભારે બની ગઈ છે. આવી સ્થિતિમાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક એડવાન્સ અને હાઈ-એન્ડ ફીચર્સ રજૂ કરે છે, પરંતુ આમાંથી ઘણા ફીચર્સ સામાન્ય વપરાશ માટે જરૂરી નથી. વિશેષજ્ઞોના મતે, ઓફિસ કામ, અભ્યાસ અથવા ઘરેલુ ઉપયોગ માટે લેપટોપ ખરીદતી વખતે આકર્ષક જાહેરાતોથી દૂર રહીને વાસ્તવિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું વધુ જરૂરી છે. યોગ્ય પસંદગી કરવાથી ગ્રાહકો હજારો રૂપિયા બચાવી શકે છે અને વધુ કાર્યક્ષમ ડિવાઈસ મેળવી શકે છે.

ઊંચો રિફ્રેશ રેટ : દેખાવ માટે વધુ, ઉપયોગ માટે ઓછો

ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ વધારવાથી સ્ક્રીન પરની ગતિ વધુ સ્મૂથ લાગે છે, જે ખાસ કરીને ગેમિંગ અને હાઈ-એન્ડ વિડિયો માટે ઉપયોગી છે. 120Hz રિફ્રેશ રેટ આ પ્રકારના ઉપયોગ માટે પૂરતો માનવામાં આવે છે. તેમ છતાં, માર્કેટમાં 144Hz અથવા 165Hz જેવા વિકલ્પો વધુ કિંમતે ઉપલબ્ધ છે. પરંતુ સામાન્ય કામ - જેમ કે દસ્તાવેજ તૈયાર કરવું, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કે વીડિયો જોવું - માટે 60Hz કે 120Hz પૂરતું છે. વધુ રિફ્રેશ રેટ માટે વધારાના પૈસા ચૂકવવાથી ન તો ખાસ લાભ મળે છે અને બેટરી પર વધારાનો બોજ પડે છે.

આ પણ ખાસ વાંચો : શું હવે OnePlus, Oppo અને Realme ફોનમાં નહીં રહે કોઈ ફરક? : એક જ સોફ્ટવેર, એક જ અનુભવ! સ્માર્ટફોનની દુનિયામાં આવી શકે મોટું પરિવર્તન

OLED ડિસ્પ્લે : સુંદર પરંતુ ખર્ચાળ વિકલ્પ

OLED ડિસ્પ્લે ટેકનોલોજી ઉત્તમ કલર અને કોન્ટ્રાસ્ટ આપે છે, જે પ્રીમિયમ અનુભવ માટે જાણીતી છે. છતાં, સામાન્ય વપરાશ માટે તે અનિવાર્ય નથી. ઓફિસ વર્ક, ઓનલાઇન ક્લાસ અથવા બ્રાઉઝિંગ માટે IPS LCD ડિસ્પ્લે પણ પૂરતી ગુણવત્તા આપે છે. OLED સ્ક્રીન સાથે કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે સ્ક્રીન બર્ન-ઇનનો ખતરો અને વધુ પાવર વપરાશ. તેથી, ખર્ચ બચાવવા માટે સામાન્ય વપરાશકર્તાઓએ આ વિકલ્પ ટાળવો વધુ યોગ્ય છે.

4K રિઝોલ્યુશન : જરૂરી છે કે ફક્ત આકર્ષણ?

ઘણા ગ્રાહકો ઊંચા રિઝોલ્યુશનને ગુણવત્તા સાથે સીધો સંબંધિત માને છે, પરંતુ નાના કદની લેપટોપ સ્ક્રીન પર 1080p અને 4K વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકાય એવો નથી. 13થી 16 ઇંચના લેપટોપ માટે Full HD ડિસ્પ્લે મોટાભાગના ઉપયોગ માટે પૂરતું છે. 4K રિઝોલ્યુશન મુખ્યત્વે વીડિયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇન અથવા પ્રોફેશનલ કામ માટે જરૂરી બને છે. સામાન્ય વપરાશ માટે તે ખર્ચાળ અને બેટરી લાઈફને અસર કરનાર વિકલ્પ છે.

આ પણ ખાસ વાંચો : ચીનમાં છત પરથી વરસી રહ્યો છે વરસાદ! : માત્ર ઝાકળ જેવી સિસ્ટમથી આખું વાતાવરણ બની જાય છે ઠંડું

ટચસ્ક્રીન : આકર્ષણ વધારે, ઉપયોગ ઓછો

ટચસ્ક્રીન ફીચર શરૂઆતમાં આકર્ષક લાગે છે, પરંતુ દૈનિક ઉપયોગમાં તેની ઉપયોગિતા મર્યાદિત છે. મોટાભાગના વપરાશકર્તાઓ ટચસ્ક્રીન હોવા છતાં કીબોર્ડ અને ટચપેડનો જ ઉપયોગ કરે છે. આ ઉપરાંત, ટચસ્ક્રીન લેપટોપ વધુ મોંઘા, ભારે અને વધુ પાવર વાપરતા હોય છે. સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટના ડાઘા પણ એક સામાન્ય સમસ્યા છે. ખાસ ડિઝાઇનિંગ કે આર્ટ માટે જ આ ફીચર ઉપયોગી બને છે.

સમજદારીપૂર્વક પસંદગી જ બચાવે પૈસા

આજના સમયમાં લેપટોપ ખરીદવું માત્ર સ્પેસિફિકેશનની સ્પર્ધા નથી, પરંતુ સમજદારીપૂર્વક યોગ્ય ફીચર્સ પસંદ કરવાની પ્રક્રિયા છે. કંપનીઓના માર્કેટિંગમાં આવીને નકામા ફીચર્સ માટે વધારાનો ખર્ચ કરવો ટાળવો જોઈએ. ગ્રાહકો માટે સૌથી મહત્વનું છે કે તેઓ પોતાની જરૂરિયાતો - જેમ કે ઓફિસ કામ, અભ્યાસ કે મલ્ટીમીડિયા ઉપયોગ - સ્પષ્ટ રીતે નિર્ધારિત કરે. તે મુજબ પસંદગી કરવાથી ઓછા ખર્ચે વધુ ઉપયોગી અને લાંબા સમય સુધી ચાલે તેવું લેપટોપ મેળવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now