મધ્ય પ્રદેશના પ્રખ્યાત કૂનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલો એક ચિત્તો હવે રાજસ્થાનના ધૌલપુર-કરૌલી ટાઈગર રિઝર્વ વિસ્તારમાં પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસમાં તેણે બે પશુઓનો શિકાર કર્યો હોવાના અહેવાલો સામે આવતા વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રેડિયો કોલર મારફતે તેની દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ધૌલપુરના જંગલોમાં ચિત્તાની હાજરીથી ચકચાર
કૂનો નેશનલ પાર્કમાંથી નીકળેલો ‘કેપીજી થ્રી’ નામનો ચિત્તો ચંબલ નદીના બીહડ વિસ્તારો પાર કરીને રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના સરમથુરા ઉપખંડ વિસ્તારમાં આવેલા રિઝોની વનખંડ સુધી પહોંચી ગયો છે. ગુરુવારે તેની હાજરીની સત્તાવાર પુષ્ટિ થતાં જ વન વિભાગે તાત્કાલિક મોનીટરીંગ શરૂ કરી દીધું હતું.
વન અધિકારીઓ અનુસાર ચિત્તો હાલમાં ભેડે કા પુરા વિસ્તારના ઘન જંગલોમાં ફરી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તેણે બે પશુઓનો શિકાર કર્યો હોવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે નજીકના ગામોમાં ચિંતા અને સતર્કતા બંને વધી છે. ધૌલપુર અને કરૌલી વિસ્તારના ઘણા ગ્રામ્ય વિસ્તારો જંગલ સાથે જોડાયેલા હોવાથી સ્થાનિક પશુપાલકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો : Offbeat Special: બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી : ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર
રેડિયો કોલરથી સતત ટ્રેકિંગ
ધૌલપુરના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર વી. ચેતન કુમારે જણાવ્યું કે આ ચિત્તો ‘કેપીજી થ્રી’ તરીકે ઓળખાય છે અને તે કૂનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળીને ચંબલ વિસ્તાર મારફતે રાજસ્થાનમાં પ્રવેશ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ચિત્તો પહેલા કરૌલી જિલ્લાના મનોખુર ચંદેલીપુરા વન વિસ્તારમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે ધૌલપુરના સરમથુરા જંગલોમાં પહોંચ્યો. ચિત્તાની હલચલ પર નજર રાખવા માટે કૂનો નેશનલ પાર્કની વિશેષ ટીમ તેમજ રાજસ્થાન વન વિભાગના અધિકારીઓ સતત મેદાનમાં હાજર છે. તેના ગળામાં લગાવવામાં આવેલા રેડિયો કોલર દ્વારા તેની લોકેશન અને ગતિવિધિઓનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ધૌલપુર-કરૌલી વિસ્તાર ચિત્તા માટે અનુકૂળ કેમ?
વન વિભાગનું માનવું છે કે ધૌલપુર-કરૌલી ટાઈગર રિઝર્વ વિસ્તાર ચિત્તા માટે અનુકૂળ નિવાસસ્થાન બની શકે છે. અહીં પૂરતી જંગલી પ્રજાતિઓ અને શિકાર માટેનો પ્રી-બેઝ ઉપલબ્ધ છે, જેના કારણે ચિત્તાને આ વિસ્તાર ગમ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો ચિત્તાને સતત અનુકૂળ વાતાવરણ અને પૂરતો શિકાર મળતો રહેશે તો તે લાંબા સમય સુધી આ વિસ્તારમાં જ રહી શકે છે. ચંબલ વિસ્તારના બીહડ, ઘન જંગલો અને ઓછી માનવીય અવરજવર ચિત્તા માટે સ્વાભાવિક માહોલ ઉભો કરે છે. આ કારણે ભવિષ્યમાં આવા મોટા માંસાહારી પ્રાણીઓ માટે આ વિસ્તાર મહત્વપૂર્ણ બની શકે છે.
રાજસ્થાનમાં ચિત્તા કોરિડોર બનાવવાની તૈયારી
આ સમગ્ર ઘટનાએ રાજસ્થાનમાં ચિત્તા કોરિડોર પ્રોજેક્ટને ફરી ચર્ચામાં લાવી દીધો છે. વન વિભાગ હાલમાં રાજસ્થાનમાં વિશાળ ચિત્તા કોરિડોર વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. નવેમ્બર 2024માં રણથંભોરના સવાઈ વિલાસ હોટલમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધૌલપુરથી રાવતભાટા સુધી લગભગ 400 કિલોમીટર લાંબા વન ક્ષેત્રમાં ચિત્તા કોરિડોર વિકસાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ કોરિડોર કૂનોથી શરૂ થઈને શિવપુરી મારફતે રાજસ્થાનના મુકુંદ્રા ટાઈગર રિઝર્વ અને મધ્ય પ્રદેશના મંદસૌર સ્થિત ગાંધી સાગર સૅન્ક્ચુરી સુધી વિસ્તરશે એવી માહિતી સામે આવી છે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કુલ 27 વન વિભાગોને જોડવાની યોજના છે.
સ્થાનિક લોકો માટે એલર્ટ અને સુરક્ષા સૂચનાઓ
વન વિભાગે સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ પ્રાણીની હલચલ અથવા ચિત્તા સંબંધિત માહિતી તરત જ વિભાગ સુધી પહોંચાડે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને ખુલ્લા જંગલ વિસ્તારમાં ન છોડવા, રાત્રે ખાસ સાવચેત રહેવા અને બાળકોને જંગલ વિસ્તારથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે. વન વિભાગનું કહેવું છે કે હાલ ચિત્તો માનવો માટે સીધો ખતરો નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.





