Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર પડઘમ વચ્ચે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 'વિકાસ સંકલ્પ સભા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કાર્યકરોને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરવા આહ્વાન કર્યું હતું.
વિકાસની રાજનીતિ અને છેવાડાના માનવીનું કલ્યાણ
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં જનતા પાણી, વીજળી અને રસ્તા જેવી પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરતી હતી. પરંતુ આજે ભાજપા સરકારના પ્રયાસોથી છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ઔડા (AUDA) વિસ્તારમાં ન આવતા ગામોને જૂની અને નવી શરતના ફેરફારોનો લાભ આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે.
રોજગારી અને ઔદ્યોગિક પ્રગતિમાં ગુજરાત મોખરે
રોજગારીના મુદ્દે વિપક્ષોને આડેહાથ લેતા ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, "આજે આખા દેશમાં સૌથી વધુ નોકરી આપતું રાજ્ય ગુજરાત છે." તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2003 માં રાજ્યમાં MSME એકમોની સંખ્યા 1.83 લાખ હતી, જે આજે વધીને 27 લાખને પાર કરી ગઈ છે.
વડાપ્રધાનના ઐતિહાસિક નિર્ણયોની ગાથા
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયોને ટાંક્યા હતા, નારી વંદના અધિનિયમ' હેઠળ હવે લોકસભા અને વિધાનસભામાં બહેનોને 33% અનામત દ્વારા પ્રતિનિધિત્વની તક મળશે. 'આયુષ્માન કાર્ડ' યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા 24 કલાક વીજળી અને રસ્તાઓના મજબૂત નેટવર્કના ભગીરથ કાર્યની સુવાસ આજે સમગ્ર રાજ્યમાં પ્રસરી રહી છે.
પક્ષમાં નવા સભ્યોનું આગમન અને ઉમેદવારોનું અભિવાદન
આ સભામાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ, પ્રવિણકુમાર ચૌહાણ અને તરંગભાઇ પટેલ, પોતાના 150 થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ તેઓને કેસરી ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ ઉપરાંત, તેમણે બિનહરીફ ચૂંટાયેલા 1 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારોનું વિશેષ અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શૈલેષભાઇ દાવડા, સ્થાનિક ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસૂરે આગામી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.





