સુરત: ગુજરાતની ચર્ચાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 13 લાખ (1.3 મિલિયન)થી વધુ ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના મુખ્ય એકાઉન્ટ સહિત અન્ય એકાઉન્ટ્સને ભારતમાં પ્રતિબંધિત (Country Restriction) કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામે હવે ભારતમાંથી તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ઍક્સેસ કરી શકાતી નથી. આ કાર્યવાહી બાદ કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. કીર્તિ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ, લાઇવ વીડિયો અને વિવિધ વ્યક્તિઓ અંગે કરાયેલા નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહી છે. તેમની સામે અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી, સોશિયલ મીડિયા દ્વારા બદનક્ષી અને અન્ય ગંભીર કલમો હેઠળ 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેઓ અગાઉ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે.
ભારતમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત થતાં ચર્ચા તેજ
મળતી માહિતી મુજબ કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામના બે એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ પ્રતિબંધ વૈશ્વિક નહીં પરંતુ માત્ર ભારત પૂરતો હોવાનું સામે આવ્યું છે. એટલે કે ભારત બહારથી એકાઉન્ટ જોવાની શક્યતા યથાવત રહી શકે છે, જ્યારે ભારતીય યુઝર્સ માટે એકાઉન્ટ ઉપલબ્ધ નથી. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા યુઝર્સે તેને પ્લેટફોર્મની નીતિ અનુસાર લેવાયેલ પગલું ગણાવ્યું છે, જ્યારે કેટલાક લોકો તેના પાછળ સતત નોંધાતી ફરિયાદો અને કાયદાકીય કાર્યવાહી જવાબદાર હોવાનું માની રહ્યા છે.
મેટાને ફરિયાદો બાદ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા
પોલીસ અને વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી કીર્તિ પટેલ સામે સોશિયલ મીડિયા મારફતે લોકોને બદનામ કરવા, ધમકી આપવા અને અપમાનજનક સામગ્રી પ્રસારિત કરવા સંબંધિત અનેક ફરિયાદો નોંધાઈ રહી હતી. આ ફરિયાદોના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'મેટા'ને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ત્યારબાદ પ્લેટફોર્મ દ્વારા પોતાની નીતિઓ અને માર્ગદર્શિકા મુજબ ભારત માટે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મેટા તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેર નિવેદન બહાર આવ્યું નથી.
પ્રતિબંધ બાદ નવી ID બનાવી કર્યો કટાક્ષ
ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લાગ્યા બાદ કીર્તિ પટેલે નવી ID બનાવી પોતાના સમર્થકો સાથે વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે હવે તેઓ "યુકે, લંડન, કેનેડા, અમેરિકા અને દુબઈ જેવા દેશોની વ્યક્તિ" બની ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારતીય નાગરિક છે, પરંતુ હાલમાં ભારતના લોકેશન પરથી સોશિયલ મીડિયા ઉપયોગ કરી શકતા નથી, તેથી પોતે એક રીતે "ફોરેનર" જેવી જિંદગી જીવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
"હવે 24 કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહીશ"
કીર્તિ પટેલે પોતાના વિરોધીઓને ખુલ્લો પડકાર આપતાં જણાવ્યું હતું કે હવે તેઓ વધુ આક્રમક રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહેશે. તેમણે કહ્યું કે હવે દિવસ-રાત સતત લાઇવ આવશે અને અગાઉ કરતાં વધુ વીડિયો તથા પોસ્ટ દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડશે. તેમણે દાવો કર્યો હતો કે તેમને શાંત રહેવા દેવામાં આવ્યા નથી, તેથી હવે તેઓ સોશિયલ મીડિયા પર સતત પોતાની હાજરી નોંધાવશે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
15 દિવસ પહેલા પુણા પોલીસ સ્ટેશનમાં સર્જ્યો હતો વિવાદ
તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સોશિયલ મીડિયા મારફતે બદનક્ષી, ધમકી અને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કેસ નોંધાયા બાદ કીર્તિ પટેલ પુણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ખંડણી કેસમાં થઈ ચૂકી છે ધરપકડ
કીર્તિ પટેલ અગાઉ સુરતમાં નોંધાયેલા ખંડણીના કેસમાં પણ ધરપકડનો સામનો કરી ચૂકી છે. આ કેસમાં પોલીસે તેમની સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને લગભગ 93 દિવસ બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી.
પાસા હેઠળ પણ થઈ હતી કાર્યવાહી
સુરત પોલીસે કીર્તિ પટેલ સામે માત્ર સામાન્ય ગુનાઓ જ નહીં પરંતુ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (PASA) હેઠળ પણ કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી અને સમાજની શાંતિ માટે જોખમરૂપ વર્તનને ધ્યાનમાં રાખીને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. પાસા કાયદાનો મુખ્ય હેતુ એવા આદતી ગુનેગારો સામે અટકાયતી પગલાં ભરવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા બાદ ફરીથી સમાન પ્રકારના ગુનાઓ આચરતા હોવાના આક્ષેપો હોય.
આ પણ વાંચો: ગુજરાતમાં બનશે દેશનું શિપબિલ્ડિંગ હબ : નવી પોલિસીથી ₹27,000 કરોડના રોકાણની આશા
સતત વિવાદોથી ચર્ચામાં રહેતી ઇન્ફ્લુએન્સર
કીર્તિ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી ચર્ચાસ્પદ ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે. મહાશિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં સાધુઓ સાથે ડૂબકી લગાવવાથી લઈને વિવિધ વિવાદાસ્પદ લાઇવ વીડિયો, જાહેર નિવેદનો અને કાયદાકીય કેસોને કારણે તેઓ વારંવાર સમાચારોમાં રહી છે. ભારતમાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે આગામી દિવસોમાં તેઓ કાયદાકીય રીતે આ નિર્ણયને પડકારશે કે નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાની હાજરી મજબૂત બનાવશે તે જોવું રહ્યું.






