Home Gujarat Ahmedabad Isudan Gadhvi Gujarat Heavy Rain Flood Compensation Demand

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચારથી શહેરો ડૂબ્યા? AAPનો સરકાર પર હુમલો : રાજ્યમાં પૂરથી 56થી વધુ મોતનો દાવો કરી ઇસુદાન ગઢવીએ મૃતકોના પરિવારને ₹1 કરોડની સહાય માંગી

વરસાદ અને પૂર મુદ્દે પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 27, 2026, 11:40 AM IST

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે, ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી સ્થિતિ માત્ર કુદરતી આફત નથી, પરંતુ સરકારની આયોજનહીનતા, ભ્રષ્ટાચાર અને નિષ્ફળ વહીવટનું પરિણામ છે.

અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાયા છે, લોકોના ઘરો, વેપાર-ધંધા અને ખેતીને ભારે નુકસાન થયું છે, જ્યારે અનેક પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તેમણે દાવો કર્યો હતો કે મીડિયા અહેવાલો અનુસાર રાજ્યમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 56થી વધુ લોકોના મોત થયા છે અને કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિ અત્યંત દુઃખદ હોવાનું જણાવતાં તેમણે મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ પરિવાર ₹1 કરોડની આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી હતી.

"પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી"

ઇસુદાન ગઢવીએ સરકારની પ્રી-મોનસૂન તૈયારીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોનસૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં વરસાદ શરૂ થતાં જ સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે પ્રી-મોનસૂન કામગીરીની બેઠકઓમાં માત્ર અધિકારીઓ અને નેતાઓ પેંડા-બિસ્કિટ ખાવા સુધી જ સીમિત રહે છે, જ્યારે મેદાન પર ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થામાં કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી. તેમણે વધુમાં કહ્યું કે માત્ર 15થી 20 ઇંચ વરસાદ પડતાં જ રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ જવું એ દર્શાવે છે કે અગાઉ કરવામાં આવેલી તૈયારીઓ માત્ર કાગળ પર જ રહી હતી.

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ

AAPના પ્રદેશ પ્રમુખે શહેર આયોજન (Town Planning - TP) સ્કીમને લઈને પણ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા માટે ટીપી સ્કીમોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણના માર્ગો બંધ થઈ ગયા છે. તેમણે દાવો કર્યો કે નદીઓ, નાળા અને કુદરતી ડ્રેનેજ માર્ગો પર અનિયંત્રિત વિકાસ અને ગેરઆયોજિત બાંધકામને મંજૂરી આપવામાં આવતાં વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. પરિણામે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કરોડો રૂપિયાના બંગલાઓ, રહેણાંક સોસાયટીઓ અને વ્યાપારી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

ઇસુદાન ગઢવીએ કહ્યું કે શહેરોના વિકાસમાં યોગ્ય આયોજનના અભાવે આજે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ₹2,999 કરોડનાં રોકાણને મંજૂરી : 32 મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, હજારો નોકરીઓની આશા

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસરનો દાવો

પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું કે વલસાડ, નવસારી, સુરત, તાપી અને અન્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક સ્થળોએ લોકોના જાનમાલને પણ નુકસાન થયું હતું. તેમણે દાવો કર્યો કે કેટલાક વિસ્તારોમાંથી પૂરનાં પાણીમાં મૃતદેહો તણાઈ આવવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જે રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

"30 વર્ષના શાસનની પોલ ખુલી ગઈ"

ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપની સરકાર છે અને વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ તાજેતરના વરસાદે આ તમામ દાવાઓની વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકી દીધી છે.

તેમણે કહ્યું કે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યો છતાં રસ્તાઓ ધોવાઈ ગયા, બ્રિજ અને માર્ગો પર પાણી ફરી વળ્યું, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ.

તેમણે આ સમગ્ર સ્થિતિને ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે વિકાસના મોડલના દાવાઓ વચ્ચે લોકો આજે મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગોને વળતર આપવાની માંગ

આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ પણ રજૂ કરી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ઉપરાંત અનેક દુકાનો, નાના વેપારીઓ અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે સરકારને તાત્કાલિક રાજ્યવ્યાપી સર્વે હાથ ધરવા, અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરવા અને પારદર્શક રીતે નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું કે માત્ર જાહેરાતોથી નહીં પરંતુ અસરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી આર્થિક સહાય પહોંચે તે જરૂરી છે.

આ પણ વાંચો:
રાજ્યમાં ફરીથી ખાબકશે ભારે વરસાદ? : બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી

સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ

પત્રકાર પરિષદ દરમિયાન આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. તેમાં ભારે વરસાદ અને પૂર દરમિયાન જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય, ખેતી, દુકાનો, ઉદ્યોગો અને રહેણાંક મકાનોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે, અસરગ્રસ્તોને ઝડપી વળતર, શહેરોની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ તેમજ ટીપી સ્કીમ અને પાણીના કુદરતી વહેણમાં થયેલા ફેરફારોની સ્વતંત્ર તપાસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપ પણ તેજ બન્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે ઉઠાવવામાં આવેલા આક્ષેપો અને માંગણીઓ અંગે રાજ્ય સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર હવે સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now