Gandhinagar News: ગુજરાતના ખેડૂતો જ્યારે ખરીફ સીઝનના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે જ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને મળશે.
મુખ્ય પાકોમાં મસમોટો ભાવ વધારો
ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય ગણાતા પાકોમાં સરકારે ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂક્યો છે..
કપાસ (લંબતારી): પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૫૭ નો વધારો.
તલ: પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૦૦ નો વધારો.
તુવેર: પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૫૦ નો વધારો.
મગફળી: પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૫૪ નો વધારો.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર થયેલા નવા ભાવ (પ્રતિ ક્વિન્ટલ)
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ ખરીફ પાકોના ભાવ નીચે મુજબ રહેશે...
પાકનું નામ | ટેકાનો ભાવ (રૂ. પ્રતિ ક્વિન્ટલ) |
તલ | રૂ. ૧૦,૩૪૬ |
મગ | રૂ. ૮,૭૮૦ |
કપાસ (લંબતારી) | રૂ. ૮,૬૬૭ |
તુવેર | રૂ. ૮,૪૫૦ |
અડદ | રૂ. ૮,૨૦૦ |
મગફળી | રૂ. ૭,૫૧૭ |
સોયાબીન | રૂ. ૫,૭૦૮ |
રાગી | રૂ. ૫,૨૦૫ |
જુવાર | રૂ. ૪,૦૨૩ |
બાજરી | રૂ. ૨,૯૦૦ |
ડાંગર | રૂ. ૨,૪૪૧ |
મકાઈ | રૂ. ૨,૪૧૦ |
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વ્યક્ત કર્યો આભાર
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, ખેડૂતો વાવેતર શરૂ કરે તે પહેલા જ ભાવ જાહેર કરી દેવાથી તેઓ કયો પાક વાવવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકશે. સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની પડખે છે. મગફળીમાં રૂ. ૨૫૪ અને કપાસમાં રૂ. ૫૫૭ જેવો માતબર વધારો એ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિની દિશામાં એક મોટું પગલું છે.
ટેકાના ભાવમાં કરવામાં આવેલો આ વધારો ખેડૂતોને ખેતી ખર્ચ સામે રક્ષણ આપશે અને તેમને બજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ નિશ્ચિત આવકની ખાતરી આપશે. ગુજરાતના મુખ્ય પાક મગફળી અને કપાસના ભાવમાં થયેલો વધારો રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે.





