Home Gujarat Ketan Inamdar Demand Shihora St Bus Extension Savli

શિહોરા વિસ્તારના વિદ્યાર્થીઓને રાહત મળશે? : બસ સેવા લંબાવવા ધારાસભ્ય કેતન ઈનામદારની એસટી નિગમને રજૂઆત

કેતન ઈમાનદાર
Published by: Chintan Chavda
Last Updated: Jul 23, 2026, 11:48 AM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શિહોરા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ તથા મુસાફરોને એસટી બસની વધુ સારી સુવિધા મળી રહે તે માટે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સમક્ષ મહત્વની રજૂઆત કરી છે. તેમણે નડિયાદ વિભાગીય નિયામકને પત્ર લખીને હાલમાં ડાકોરથી રાણીયા સુધી દોડતી બસને શિહોરા સદગુરુ હોટલ સુધી લંબાવવાની માંગ કરી છે.

ધારાસભ્યે પોતાના પત્રમાં જણાવ્યું છે કે શાળા અને કોલેજો શરૂ થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોને સમયસર એસટી બસની સુવિધા મળતી નથી. પરિણામે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમજ અન્ય મુસાફરોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: : દક્ષિણ ગુજરાતની પૂર પરિસ્થિતિમાં ભાજપ કાર્યકરોને મેદાનમાં ઉતરવા અપીલ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ પર જગદીશ વિશ્વકર્માના પ્રહાર

શિહોરા સહિત આસપાસના ગામોને મળશે સીધો લાભ

પત્રમાં ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું છે કે તેમના મતવિસ્તારના શિહોરા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ ડાકોર, શાળાઓ, કોલેજો તેમજ આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે નિયમિત અવરજવર કરે છે. હાલમાં ડાકોરથી આવતી-જતી બસો રાણીયા સુધી જ સીમિત હોવાથી શિહોરા વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોને વધારાનું અંતર કાપવું પડે છે.

જો ડાકોર–રાણીયા રૂટની બસને શિહોરા ચોકડી નજીક આવેલા સદગુરુ હોટલ સુધી લંબાવવામાં આવશે તો વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ મોટી રાહત મળશે અને તેમની દૈનિક મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે.


આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળમાં 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ હોવાની શંકા : સેમ્પલ ગાંધીનગર મોકલાયું, રાજકોટમાં સારવાર શરૂ


એસટી વિભાગને વહેલી તકે નિર્ણય લેવા અનુરોધ

ધારાસભ્યે વિભાગીય નિયામકને લખેલા પત્રમાં આ માંગને જાહેરહિતની ગણાવી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે બસ સેવા લંબાવવામાં આવે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધો લાભ મળશે.

હાલ એસટી નિગમ તરફથી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જોકે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં બસ સેવા લંબાવવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી હોવાનું જાણવા મળે છે. જો નિગમ આ રજૂઆતને મંજૂરી આપશે તો શિહોરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેર પરિવહનની સુવિધામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now