કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી UDF ગઠબંધનને મળેલી પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને પાર્ટીમાં ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામોના એક અઠવાડિયા બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શક્યું નથી. પાર્ટીના સંગઠન મહાસચિવ K. C. Venugopal અને વિપક્ષના નેતા V. D. Satheesan વચ્ચે CM પદની દોડ સૌથી વધુ ચર્ચામાં છે.
ચૂંટણીના દિવસે જ જ્યારે શરૂઆતના કલાકોમાં UDF ની મોટી જીત સ્પષ્ટ થવા લાગી ત્યારે તિરુવનંતપુરમ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. પાર્ટી કાર્યકરો રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓની તસવીરો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જોકે, KC વેણુગોપાલના મોટા કટઆઉટ અને ‘ધ રિયલ લીડર’ જેવા સૂત્રો સાથેના પોસ્ટર્સે સ્પષ્ટ સંકેત આપ્યો કે CM પદ માટે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.
વેણુગોપાલને ધારાસભ્યોનો મોટો ટેકો
પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નિયુક્ત નિરીક્ષકો Ajay Maken અને Mukul Wasnik જ્યારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની રાય જાણવા તિરુવનંતપુરમ પહોંચ્યા ત્યારે મોટા ભાગના 63 કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા KC વેણુગોપાલનું નામ સૂચવાયું હોવાનું સામે આવ્યું છે.
માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ કેરળના કોંગ્રેસ સાંસદો અને કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ વેણુગોપાલને રાજ્યની કમાન સોંપવાની ભલામણ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. વેણુગોપાલને રાહુલ ગાંધીના વિશ્વાસુ નેતા તરીકે જોવામાં આવે છે અને પાર્ટી સંગઠનમાં તેમનો પ્રભાવ પણ નોંધપાત્ર માનવામાં આવે છે.
VD સતીશન બન્યા સૌથી મોટો પડકાર
જોકે વેણુગોપાલની દાવેદારી મજબૂત હોવા છતાં તેમની સામે સૌથી મોટો પડકાર VD સતીશન તરફથી ઉભો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષના નેતા તરીકે સતીશને જનતા વચ્ચે પોતાની મજબૂત છાપ ઉભી કરી છે. કોંગ્રેસની સહયોગી પાર્ટી Indian Union Muslim League પણ ખુલ્લેઆમ સતીશનના સમર્થનમાં ઉભી હોવાનું માનવામાં આવે છે.
સતીશનના નજીકના સૂત્રો મુજબ જો તેમને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો તેઓ કોઈ અન્ય નેતૃત્વ હેઠળ કેબિનેટમાં જોડાવા તૈયાર નહીં થાય. આ વલણને કારણે કોંગ્રેસ માટે સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.
આ વચ્ચે વરિષ્ઠ કોંગ્રેસ નેતા Ramesh Chennithala પણ પોતાની સિનિયોરિટી આધારે CM પદ માટે દાવો કરી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસમાં ત્રિકોણીય સત્તાસંગ્રામ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
બંગાળમાં BNSથી લઈને વસ્તી ગણતરી સુધી: CM બનતા જ એક્શનમાં આવ્યા સુવેન્દુ અધિકારી, લીધા કેટલાક મોટા નિર્ણય
સોશિયલ મીડિયા કેમ્પેઇનથી હાઈકમાન્ડ નારાજ
ચૂંટણી પરિણામો બાદ વેણુગોપાલનું પલ્લું ભારે થતું દેખાતા સતીશન સમર્થકોએ સોશિયલ મીડિયા અને જાહેર સ્તરે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન અને વેણુગોપાલના પોસ્ટર્સને નુકસાન પહોંચાડવાના બનાવો પણ સામે આવ્યા હતા.
આ ગૃપબાજી અને પ્રેશર પોલિટિક્સથી રાહુલ ગાંધી નારાજ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે વેણુગોપાલ, સતીશન અને ચેન્નિથલાને પોતાના સમર્થકોને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી. દિલ્હી ખાતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ ત્રણેય નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી.
કોંગ્રેસ માટે ‘લોકોની પસંદ કે ધારાસભ્યોની પસંદ’નો સવાલ
હાલ કોંગ્રેસ હાઈકમાન્ડ સૌથી મોટી દ્વિધામાં છે. એક તરફ મોટા ભાગના ધારાસભ્યો KC વેણુગોપાલના સમર્થનમાં છે, જ્યારે બીજી તરફ VD સતીશન જનતા વચ્ચે વધુ લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી રહ્યા છે.
પાર્ટી માટે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું સરળ નથી. જો વેણુગોપાલને CM બનાવવામાં આવે તો તેમને વિધાનસભાની પેટાચૂંટણી લડવી પડશે અને તેમની લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની શક્યતા રહેશે.
સૂત્રો અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ ઈચ્છે છે કે વેણુગોપાલ મુખ્યમંત્રી બને અને સતીશન સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળે. જ્યારે રમેશ ચેન્નિથલાને વિધાનસભા અધ્યક્ષ પદ સોંપવાની ચર્ચા પણ ચાલી રહી છે.
શુવેન્દુ કેબિનેટનો ફરી એક નવો નિર્ણય: મમતા સરકારના તમામ નામાંકિત અધિકારીઓને હટાવાયા
નિર્ણયમાં વિલંબથી કોંગ્રેસની વધી રહી છે મુશ્કેલી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ લગભગ તમામ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ કેરળમાં કોંગ્રેસ હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. આ વિલંબને કારણે પાર્ટીની રાજકીય છબીને નુકસાન થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
હવે રાહુલ ગાંધી દ્વારા મંગળવારે કેરળના પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને કાર્યકારી અધ્યક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. જેના કારણે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે કેરળના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં હજુ વધુ સમય લાગી શકે છે.






