Tomorrow Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે 9 રાજ્યોમાં ભારે વરસાદ અને 75 કિમીની ઝડપે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આકાશી વીજળી પડવાની ચેતવણી આપતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.
કુદરતનો પ્રકોપ: 9 રાજ્યોમાં એલર્ટ
ભીષણ ગરમી અને લૂની વચ્ચે હવે દેશના મોટા ભાગ પર કુદરતનો કહેર તૂટી પડવાનો છે, કારણ કે હવામાન વિભાગે 27 એપ્રિલે ભારે તબાહીનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ અને ઝારખંડ પર સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમને કારણે આગામી થોડા કલાકોમાં 9 રાજ્યોમાં હવામાન સંપૂર્ણપણે પલટાઈ જશે. આ સમય દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન અને આકાશી વીજળી લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ખાસ કરીને ખેડૂતોને તેમના પાક અંગે અત્યંત સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ કવખતનો વરસાદ મોટું નુકસાન કરી શકે છે.
આ પણ વાંચો: મહુવામાં ચૂંટણીના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ : એસ.ટી. સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
દિલ્હીમાં લૂ, તો યુપી-બિહારમાં વાવાઝોડાનો ફાળો
રાજધાની દિલ્હીમાં આવતીકાલે સૂર્ય આગ ઓકશે, જ્યાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને દિવસભર જીવલેણ લૂ ફૂંકાશે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારના લખનૌ, વારાણસી, પટના અને ગયા જેવા જિલ્લાઓમાં તેજ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં 55 કિમીની ઝડપે ફૂંકાતો પવન અને વીજળી પડવાની ઘટના જાન-માલ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. યુપીના લગભગ 20 જિલ્લાઓમાં 28 એપ્રિલથી હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે, જેનાથી તાપમાનમાં ઘટાડો તો થશે પણ મુશ્કેલીઓ વધશે.
પહાડોથી લઈને મેદાનો સુધી વરસાદનું એલર્ટ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં પણ આવતીકાલથી ભારે વરસાદ અને તેજ પવનનો રાઉન્ડ શરૂ થવાનો છે, જેના કારણે ભૂસ્ખલન (Landslide)નો ખતરો વધી શકે છે. જયપુર, બીકાનેર અને જોધપુર જેવા વિસ્તારોમાં 60 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું અને વરસાદનું એલર્ટ છે. અહીં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જે ગરમીથી રાહત આપશે પણ જનજીવન અસ્તવ્યસ્ત કરી શકે છે. અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુસીબત બની શકે છે.
મધ્યપ્રદેશ અને ઝારખંડમાં મુશળધાર વરસાદની ચેતવણી
મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુર સહિતના જિલ્લાઓમાં 27 થી 29 એપ્રિલ દરમિયાન જોરદાર વરસાદની પ્રબળ શક્યતા છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ લોઅર ટ્રોપોસ્ફેરિક લેવલ પર સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. રાંચી અને કોલકાતા જેવા શહેરોમાં તાપમાન સ્થિર રહેશે પરંતુ અચાનક આવતું તોફાન વીજળીના થાંભલા અને વૃક્ષોને નુકસાન પહોંચાડી શકે છે. હવામાનના આ જોખમી મિજાજને જોતા વહીવટીતંત્રે તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે.





