Home Gujarat Kadi Swadeshi Mela Nitin Patel Statement Iran Israel War Impact Economy

"સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવો" : કડીમાં સ્વદેશી મેળાના ઉદ્ઘાટનમાં નીતિન પટેલનું નિવેદન

"સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવો"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 12:06 PM IST

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કડી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ DyCM નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે અને તેનો પ્રભાવ ભારત પર પણ જોવા મળી રહ્યો છે.

નીતિન પટેલે જણાવ્યું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ રહી છે, જેના કારણે વિશ્વભરના ઉદ્યોગોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ઊર્જા ક્ષેત્રમાં વધતા ખર્ચની સીધી અસર ઉત્પાદન અને વેપાર પર પડી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે આવા સંકટના સમયમાં ભારતે પોતાની વિદેશ નીતિ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ વિદેશ નીતિના કારણે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે.

સાથે જ તેમણે દેશના સંરક્ષણ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને દેશમાં જ હથિયારો તેમજ તેના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે.

કડી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને લઈને નીતિન પટેલે નગરજનો અને ખેડૂતોને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપીએ તો વિદેશી આયાતમાં ઘટાડો થશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

કડીમાં આયોજિત આ સ્વદેશી મેળો 15 માર્ચ સુધી ચાલશે. મેળામાં વિવિધ સ્થાનિક ઉત્પાદનો, કૃષિ સંબંધિત સામગ્રી તેમજ ઘરગથ્થુ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું છે. નગરજનો અને ખેડૂતોને આ મેળાનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now