ટ્રુડોના રાજીનામાંથી ખળભળાટ
કેનેડાના રાજકારણમાં મોટી ઉઠલપાઠલ જોવા મળી છે. ભારત વિરોધી વલણ રાખનારા જસ્ટીન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. જસ્ટીન ટ્રુડોને પોતાની જ પાર્ટીના નેતાઓની આલોચનાનો સામનો કરવો પડ્યો છે. કેનેડાની રાજનીતિમાં તેમની છબી ખૂબ જ ખરડાઈ ગઈ છે.જસ્ટીન ટ્રુડોને વિપક્ષ તરફથી તો વિરોધનો સામનો કરવો પડતો હતો, પરંતુ પોતાની જ પાર્ટીમાં તેમની માટે અસંતોષ જોવા મળતો હતો. જસ્ટીન ટ્રુડોએ ના માત્ર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેમણે લિબરલ પાર્ટીના નેતા તરીકેની જવાબદારી પણ છોડી છે.
કેનેડામાં સમય પહેલા થઈ શકે ચૂંટણી
જસ્ટીન ટ્રુડોએ સોમવારે પોતાના દેશની જનતાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન તરીકેનું પદ છોડ્યું છે. જસ્ટીન ટ્રુડોએ કહ્યું- હું લિબરલ પાર્ટીના નેતા તરીકે અને કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારીમાંથી મુક્ત થાઉ છું. મને લાગે છે કે વર્ષ 2025ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીના નેતા તરીકે હું સારો વિકલ્પ સાબિત નહીં થાઉ. જસ્ટીન ટ્રુડો હવે કેનેડામાં કાર્યવાહક વડાપ્રધાન તરીકે કામ કરશે, જ્યા સુધી તેમના સ્થાને અન્યની નિયુક્તિ નહીં થાય. ટ્રુડોના રાજીનામાને લઈ તર્ક વિતર્ક સર્જવામાં આવી રહ્યા છે કે સમય પહેલા ત્યા ચૂંટણી થાય
ટ્રુડોએ પોતાને ગણાવ્યા લડવૈયા
કેનેડાના
નાગરિકોને સંબોધન કરતા તેમણે કહ્યું- મારા અનેક પ્રયત્નો બાદ પણ સંસદમાં જે
પ્રકારે કામ થવા જોઈતા હતા તેમ થયા નહીં, પરંતુ હું એક લડવૈયો છું. મને મારા
કેનેડાના નાગરિકોની ચિંતા છે, અને તે કાયમ રહેશે.
હું મારા દેશને શ્રેષ્ઠ બનાવવા માટે લડતો રહુ છું, અને આ લડાઈ આગળ પણ યથાવત
રહેશે.
ટ્રુડોના રાજીનામાનો પહેલેથી હતો અંદાજો
જસ્ટીન ટ્રુડોએ આ નિર્ણય સંસદીય ચૂંટણી પહેલા પોતાની પાર્ટીને સ્થિર કરવા માટે લીધો છે. મહત્વનું છે કે ટ્રુડોની લિબરલ પાર્ટી હાલ બેકફૂટ પર છે. વર્ષ 2021માં જગમીતસિંહના નેતૃત્વવાળી વામપંથી વિચારધારાવાળા ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનથી આ ચૂંટણી ટ્રુડોની લિબરલ પાર્ટીએ જીતી હતી, પરંતુ ગત સપ્ટેમ્બરમાં જ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સમર્થન પરત ખેંચી લીધુ હતું. જગમીતસિંહે તે બાદ ટ્રુડોની કામ કરવાની પદ્ધતિની આલોચના કરી હતી.
કંઝર્વેટિવ
પાર્ટીની જીતનું અનુમાન?
કંઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલીવરેના નેતૃતવમાં આ પાર્ટી ચૂંટણી જીતશે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. ટ્રુડો સામેની નારાજગીના અનેક કારણો છે, જેમાંથી એક ઘરોની વધતી કિંમતો પણ છે. કેનેડામાં ઘરની કિંમતમાં ઘણો વધારો થાય છે, સામે બેરોજગારોની સંખ્યા પણ વધી રહી છે.
હવે શું થશે?
જસ્ટીન ટ્રુડોની જાહેરાત બાદ હવે 24 માર્ચ સુધી વર્તમાન સંસદને સ્થગિત કરી દેવામાં આવશે. સંસદ તત્કાલ ભંગ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સરકારની નીતિઓ યથાવત રહે તે માટે ટ્રુડોએ સંસદને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત વિરોધી વલણ અપનાવતા ટ્રુડો
જસ્ટીન ટ્રુડોનો ખાલિસ્તાનીઓ માટેનો પેમ છૂપો નથી. હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ટ્રુડોએ ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા, પરંતુ કેનેડાની સરકાર પુરાવા રજૂ કરી શકી નથી. આ સિવાય ટ્રુડો સરકારે વિઝા નિયમોને પણ વધુ કડક બનાવી દીધા છે.





