Home Gujarat Junagadh Mangrol Noli River Bridge Washed Away Dwarka Somnath Highway Closed

જૂનાગઢમાં મેઘતાંડવ : હુસેનાબાદ પાસે નેશનલ હાઇવે ધોવાયો, વાહનવ્યવહાર ઠપ!

માંગરોળમ તૂટેલો નેશનલ હાઇવે
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 06:54 AM IST

જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. માંગરોળ તાલુકામાં પડેલા અતિભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું છે. તેની સૌથી ગંભીર અસર હુસેનાબાદ ગામ નજીક જોવા મળી છે, જ્યાં નોળી નદી પર આવેલો બ્રિજ અને તેને જોડતો પાકો માર્ગ પૂરના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયો છે.

નોળી નદીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બ્રિજની સાથે હાઇવેનો મોટો ભાગ પણ તૂટી જતાં દ્વારકા–સોમનાથને જોડતો મહત્વનો નેશનલ હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. ઘટનાના આકાશી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પૂરના પાણીથી રસ્તાને થયેલા વ્યાપક નુકસાનની ગંભીરતા સ્પષ્ટ જોવા મળે છે.

વાહનવ્યવહાર ઠપ, બંને તરફ લાંબી કતારો

દ્વારકા–સોમનાથ નેશનલ હાઇવે સૌરાષ્ટ્રના બે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં દિવસ-રાત ભારે વાહનવ્યવહાર રહે છે. હુસેનાબાદ પાસે રસ્તો ધોવાઈ જતાં બંને તરફથી આવતા તમામ વાહનોને રોકી દેવામાં આવ્યા છે.

પરિણામે એસટી બસો, ખાનગી લક્ઝરી બસો, માલવાહક ટ્રકો તેમજ પ્રવાસીઓની કારો રસ્તા પર જ અટવાઈ ગઈ છે. લાંબા સમય સુધી વાહનવ્યવહાર બંધ રહેતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્તરે ખાવા-પીવાની અને અન્ય જરૂરી સુવિધાઓ મર્યાદિત હોવાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.

પ્રશાસન એક્શન મોડમાં, વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

ઘટનાની જાણ થતાં જ પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોવાયેલા માર્ગની બંને બાજુ બેરિકેડ્સ ગોઠવી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા અટવાયેલા વાહનોને નજીકના વૈકલ્પિક ગ્રામ્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ ફરી બન્યું ‘ખાડાનગર’! : ચોમાસાની શરૂઆતમાં જ 1416 પોટહોલ્સ સામે આવ્યા, સૌથી ખરાબ હાલત આ ઝોનની

પાણી ઓસર્યા બાદ જ સમારકામ શક્ય

અધિકારીઓના જણાવ્યા અનુસાર નોળી નદીમાં હજુ પણ પાણીનો પ્રવાહ તેજ હોવાથી હાલ સમારકામ શરૂ કરવું શક્ય નથી. પાણીનું સ્તર ઘટ્યા બાદ નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીને બ્રિજ અને માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી દ્વારકા–સોમનાથ હાઇવે પર વાહનવ્યવહાર પ્રભાવિત રહેવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now