Home Gujarat Shankaracharya Sadanand Saraswati Demand Sanatan Board Ayodhya Ram Mandir

'સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના' : અયોધ્યા રામ મંદિર વિવાદ વચ્ચે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 07:40 AM IST

શ્રીદ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્‌ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ચઢાવા (દાન) સંબંધિત ચાલી રહેલા વિવાદ અને સામે આવેલા કથિત આક્ષેપોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે આવી પરિસ્થિતિનો વિકલ્પ શું હોઈ શકે. તેમના મતે તેનો સૌથી યોગ્ય અને સ્થાયી ઉકેલ દેશવ્યાપી સ્તરે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ અથવા સનાતન બોર્ડની રચના છે.

તેમણે કહ્યું કે અયોધ્યામાં મંદિરના ચઢાવા સંબંધિત જે પ્રકારની ગેરરીતિઓ અને અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા છે, તે માત્ર એક મંદિર પૂરતો મર્યાદિત મુદ્દો નથી, પરંતુ દેશની ધાર્મિક સંસ્થાઓના સંચાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી સનાતન ધર્મના પ્રતિનિધિઓ એવી માંગ કરતા રહ્યા છે કે ધાર્મિક સંસ્થાઓ માટે અલગ અને સ્વાયત્ત વ્યવસ્થાની રચના થવી જોઈએ.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ફાયરિંગથી દોડધામ : PAC જવાનની બંદૂકમાંથી છૂટી ગોળી, ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત

'સનાતન બોર્ડ' સર્વસંમતિથી રચાવું જોઈએ

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ અથવા સનાતન બોર્ડનું નિર્માણ સર્વસંમતિથી થવું જોઈએ. આ બોર્ડને કાયદાકીય માન્યતા પ્રાપ્ત હોય તેમજ તેમાં શાસ્ત્રો, પરંપરાઓ અને ધાર્મિક વિધિઓનું ઊંડું જ્ઞાન ધરાવતા સંતો અને વિદ્વાનોને સ્થાન આપવામાં આવે.

તેમણે જણાવ્યું કે શાસનતંત્ર પણ આવી સમિતિના માર્ગદર્શન અને અનુશાસન હેઠળ રહીને ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરે તો પરંપરાગત વ્યવસ્થાનું વધુ સારી રીતે સંરક્ષણ થઈ શકે. તેમના મતે ધાર્મિક સંસ્થાઓની કામગીરીમાં ધાર્મિક પરંપરા અને શાસ્ત્રીય વ્યવસ્થાને સર્વોચ્ચ સ્થાન મળવું જોઈએ.

શાસકીય અધિકારીઓ પાસે ધાર્મિક પરંપરાનું જ્ઞાન હોવું જરૂરી

શંકરાચાર્યજીએ જણાવ્યું કે જ્યાં શાસન દ્વારા મંદિરો અથવા અન્ય ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે ત્યાં મોટાભાગના અધિકારીઓને શાસ્ત્રીય જ્ઞાન, ધાર્મિક પરંપરાઓ અને વિધિ-નિષેધ અંગે પૂરતો અનુભવ હોતો નથી. પરિણામે અનેક વખત નિર્ણય લેવામાં વ્યવહારિક તેમજ ધાર્મિક બંને પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિને જ તે ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવે છે, તેવી જ રીતે ધાર્મિક સંસ્થાઓના સંચાલનની જવાબદારી પણ ધાર્મિક જ્ઞાન અને અનુભવ ધરાવતા લોકો પાસે હોવી જોઈએ. અયોગ્ય વ્યક્તિઓને આવી જવાબદારી સોંપવામાં આવે તો વિવાદો અને ગેરવ્યવસ્થાની શક્યતા વધી શકે છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં દરરોજ 6થી 8 લાખ રૂપિયાની ચોરી? : દાનના ત્રીજા ભાગનો હિસ્સો ઉડાવતા હતા ચોર, SIT તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

અયોધ્યા, દ્વારકા, બદરીનાથ અને તિરુપતિ માત્ર યાત્રાધામ નથી

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે અયોધ્યા, દ્વારકા, બદરીનાથ અને તિરુપતિ જેવા ધર્મસ્થળોને કરોડો શ્રદ્ધાળુઓ માત્ર યાત્રાધામ તરીકે જોતાં નથી. આ સ્થળોને પરમાત્માની તપોભૂમિ અને ઋષિ-મહર્ષિઓની સાધનાભૂમિ તરીકે વિશેષ આદર આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે આવા પવિત્ર સ્થળોની પવિત્રતા, પરંપરા અને ધાર્મિક ગૌરવ જળવાઈ રહે તે માટે સંચાલન વ્યવસ્થામાં આધ્યાત્મિક મૂલ્યો અને શાસ્ત્રીય માર્ગદર્શનને કેન્દ્રસ્થાને રાખવું જરૂરી છે. તેમના મતે આ પ્રકારની વ્યવસ્થા માત્ર વિવાદો ટાળવામાં જ નહીં પરંતુ સનાતન પરંપરાના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now