Home Gujarat Morbi Viral Audio Row Police Bandobast Halvad Nilesh Aerwadiya

વાયરલ ઓડિયાની ગૂંજ વચ્ચે મોરબીમાં હલચલ : મોરબીમાં સમજાવટનો દોર, હળવદમાં પોલીસ બંદોબસ્ત

નિલેશ એરવાડિયાની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 04, 2026, 07:43 AM IST

મોરબી: મોરબીમાં નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેની કથિત વાયરલ ઓડિયો ક્લિપ બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો છે. સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયા પછી વિવિધ સ્તરે ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાને ઉપવાસ સમાપ્ત કરી છાવણી પરથી ઊભા થઈ જવા માટે જેતપર ગામના લોકો દ્વારા સમજાવટના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામના આગેવાનો અને રહેવાસીઓ નિલેશ એરવાડિયા સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. તેઓ ઉપવાસનો અંત લાવી પરણાં કરીને આંદોલન સમાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જોકે આ અંગે નિલેશ એરવાડિયા તરફથી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: 'એક કરોડ મારા અને એક કરોડ તમારા' : હકાભા અને નિલેશ એરવાડિયાની ઓડિયો ક્લિપ વાયરલ, જાણો શું અપાઈ સ્પષ્ટતા

વાયરલ ઓડિયો બાદ સુરક્ષા વ્યવસ્થા કડક

બીજી તરફ, કથિત વાયરલ ઓડિયો બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હળવદ ખાતે આવેલા હકાભા ગઢવીના મકાન નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હકાભા ગઢવી હાલમાં સુરેન્દ્રનગરમાં રહે છે. હળવદ સ્થિત તેમનું મકાન હાલમાં ભાડે આપવામાં આવ્યું છે. ઉપરાંત તેઓએ નજીકમાં જ એક અન્ય મકાન ભાડે રાખ્યું છે, જ્યાં હાલમાં તેમના પરિવારના સભ્યો રહે છે. માહિતી અનુસાર હકાભા ગઢવીની પત્ની અને તેમની દીકરી હાલમાં ત્યાં હાજર છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વળતરના નામે ખેડૂતોને 'લોલીપોપ' અપાઈ : વીજ થાંભલા મુદ્દે ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર

નિલેશ એરવાડિયાએ પોલીસ સુરક્ષાની કરી હતી માંગ

સૂત્રોના જણાવ્યા મુજબ નિલેશ એરવાડિયાએ પોતાને ધમકીઓ મળી રહી હોવાનો આક્ષેપ કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. જોકે હાલ પોલીસ બંદોબસ્ત હકાભા ગઢવીના નિવાસ નજીક ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સુરક્ષા વ્યવસ્થા કયા ઇનપુટના આધારે ગોઠવવામાં આવી છે તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં મેઘતાંડવ! 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ : માંગરોળમાં માત્ર 24 કલાકમાં 23 ઈંચ વરસાદ ખાબક્યો! 22 ગામોનો સંપર્ક તૂટ્યો, અનેક વિસ્તારોમાં પૂર

ઓડિયોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપની હજુ સુધી કોઈ સ્વતંત્ર ફોરેન્સિક અથવા સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અગાઉ નિલેશ એરવાડિયાએ જાહેરમાં દાવો કર્યો હતો કે વાયરલ થઈ રહેલો અવાજ તેમનો નથી અને સમગ્ર મામલો આંદોલનને અસર પહોંચાડવાના પ્રયાસનો ભાગ હોઈ શકે છે. આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ તપાસ એજન્સી દ્વારા ઓડિયોની સત્યતા અંગે જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી વાયરલ થઈ રહેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.

હાલ મોરબી જિલ્લામાં સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર છે. એક તરફ ઉપવાસી છાવણીમાં ચર્ચા અને સમજાવટનો દોર ચાલુ છે, તો બીજી તરફ પોલીસ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં નિલેશ એરવાડિયાના નિર્ણય અને પોલીસની આગળની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now