Jharkhand Gumla Minor Crime Case 2026 : ઝારખંડના ગુમલા જિલ્લામાંથી સમગ્ર સમાજને હચમચાવી મૂકે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા જઘન્ય કૃત્ય બાદ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે ગામના કેટલાક લોકોએ ગેરકાયદે પંચાયત બોલાવી મામલો ગામમાં જ પતાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પંચાયતે આરોપી પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને આરોપી પાસેથી વસૂલાયેલા 20 હજાર રૂપિયાનો ઉપયોગ કરીને દારૂ પાર્ટી કરવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે. ગામના જ એક વ્યક્તિએ પોલીસને માહિતી આપતા સમગ્ર મામલો બહાર આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
વિશ્વાસનો ગેરલાભ લઈને આચરાયું જઘન્ય કૃત્ય
પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલમા ગામની છે. આરોપી સુનિલ લોહરા શનિવારે સાંજે બાળકીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે બાળકી તેની માતા સાથે હતી. આરોપીએ માતાને બાળકીને થોડા સમય માટે પોતાની પાસે રાખવાની વાત કહી હતી. માતા ઘરકામમાં વ્યસ્ત થતાં આરોપી બાળકીને બીજા રૂમમાં લઈ ગયો હતો. થોડીવાર બાદ બાળકીના રડવાનો અવાજ સાંભળીને માતા ત્યાં પહોંચી હતી. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ પરિવાર ચોંકી ગયો હતો. ત્યારબાદ બાળકીને પ્રાથમિક સારવાર માટે ખાનગી ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી.
આ પણ ખાસ વાંચો : દિલ્હી રમખાણ કેસમાં મોટો ચુકાદો : પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપી IB અધિકારી અંકિત શર્માની હત્યામાં દોષિત, 6 નિર્દોષ જાહેર
પોલીસને જાણ કરવાને બદલે બોલાવવામાં આવી પંચાયત
ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવાને બદલે ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ મામલો ગામમાં જ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પંચાયત દરમિયાન આરોપી પર 1 લાખ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. આરોપીએ તાત્કાલિક 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે બાકીના 80 હજાર રૂપિયા એક અઠવાડિયામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપ છે કે વસૂલાયેલી રકમમાંથી જ ગામના કેટલાક લોકોએ દારૂ પાર્ટી કરી હતી.
ગામના વ્યક્તિની બાતમી બાદ પોલીસની કાર્યવાહી
ઘાઘરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મોહન કુમારે જણાવ્યું કે ગામમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ તાત્કાલિક પલમા ગામ પહોંચી હતી. તે સમયે દંડની રકમથી કરવામાં આવી રહેલી ઉજવણી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી સુનિલ લોહરાની ધરપકડ કરી હતી. સાથે જ પીડિત બાળકીની માતાનું નિવેદન નોંધવામાં આવ્યું અને તેના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે સમગ્ર ઘટનાની તમામ પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે.
આ પણ ખાસ વાંચો : હનીમૂન બાદ હવે ટ્રેનમાં પૂજા? યૂઝર્સે લીધો ઉધડો : વાયરલ VIDEO પર નોર્ધર્ન રેલવેએ આપ્યો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો
પંચાયતના નિર્ણયને કાયદેસર માન્યતા નથી
પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળકો સામે થતા જઘન્ય કૃત્ય જેવા ગંભીર કેસોમાં કોઈ પણ પ્રકારની સ્થાનિક સમજૂતી કે પંચાયતનો નિર્ણય કાયદેસર રીતે માન્ય નથી. આવા કેસોમાં કાયદા મુજબ કાર્યવાહી કરવી ફરજિયાત છે. તપાસ દરમિયાન એ પણ જાણી લેવામાં આવશે કે પંચાયત કોણે બોલાવી હતી, પીડિત પરિવાર પર કોઈ દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં અને પુરાવા છુપાવવાનો પ્રયાસ થયો હતો કે નહીં. જો તપાસમાં કોઈની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પંચાયતના મુખીની સ્પષ્ટતા
અરંગી પંચાયતના મુખી લોદો એક્કાએ જણાવ્યું કે પલમા ગામમાં યોજાયેલી બેઠક અંગે તેમને અગાઉથી કોઈ જાણ નહોતી. પોલીસ ગામમાં પહોંચ્યા બાદ જ સમગ્ર ઘટનાની માહિતી તેમને મળી હોવાનું તેમણે કહ્યું છે. તેમણે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની પણ વાત કરી છે. પોલીસનું કહેવું છે કે કેસની તપાસ ચાલુ છે અને સંબંધિત તમામ પાસાઓની કાયદેસર તપાસ કરવામાં આવી રહી છે.





