જેતપુર-ઢાંક રૂટ પર ચાલતી એસ ટી બસનો આજે સવારે મંડલીકપુર નજીક દુર્ઘટનાગ્રસ્ત અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બસના ચાલકને ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન અચાનક ચક્કર આવી જતાં બસ પરનો કાબૂ છૂટ્યો અને બસ રસ્તા પરથી ઊતરી ગઈ. અકસ્માત મંડલીકપુર નજીક આવેલા એક રિસોર્ટની પાસે બન્યો હતો.
17 મુસફારો ભરેલી બસનો અકસ્માત
અકસ્માત સમય બસમાં 17થી વધુ મુસાફરો સવાર હતા. અચાનક થયેલા અકસ્માતથી બસમાં હડકંપ મચી ગયો હતો. કેટલાક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા, જેને સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ જેતપુર અને ધોરાજીથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી, ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે.
પોલીસે તપાસ હાથધરી
પોલીસ અને આર ટી ઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તારણ મુજબ ચાલકને અચાનક ચક્કર આવતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ અકસ્માતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.






