જાવેદ અખ્તરે ફિલ્મોમાં પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં ફિલ્મ સેન્સરશીપ અને સિનેમામાં અશ્લીલતાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારતમાં સામાજિક વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મોને સેન્સરશીપનો સામનો કરવો પડે છે, જ્યારે અશ્લીલ અને નીચા સ્તરની ફિલ્મોને સરળતાથી મંજૂરી મળી જાય છે.
અશ્લીલ ફિલ્મોને મળે છે મંજૂરી
અનંતરંગ 2025 કાર્યક્રમમાં શુક્રવારે બોલતા, અખ્તરે જણાવ્યું, “આ દેશમાં એવી ફિલ્મોને મંજૂરી આપવામાં આવે છે જે અશ્લીલતા ફેલાવે છે. નિયમનકારી સંસ્થાઓ ખોટા મૂલ્યો અને પિતૃસત્તાક દૃષ્ટિકોણને ઓળખી શકતી નથી, જે સ્ત્રીઓનું અપમાન કરે છે. જે ફિલ્મો સમાજની હકીકત બતાવે છે, તેને રોકવામાં આવે છે.”
ફિલ્મો સમાજનું પ્રતિબિંબ
અખ્તરે ઉમેર્યું, “ફિલ્મો એ સમાજ માટે એક બારી છે, જેમાંથી આપણે હકીકત જોઈ શકીએ છીએ. પરંતુ તેને બંધ કરવાથી સમસ્યાઓ દૂર થતી નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી ફિલ્મોનું નિર્માણ પુરુષોના માનસિક સ્વાસ્થ્યને કારણે થાય છે. “જો પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય સુધરે, તો આવી ફિલ્મો બનવાનું બંધ થશે, અથવા બનશે તો પણ થિયેટરોમાં રિલીઝ નહીં થાય,” એમ તેમણે કહ્યું.
બેવડા અર્થવાળા ગીતો પર નારાજગી
જાવેદ અખ્તરે સિનેમામાં બેવડા અર્થવાળા અને અભદ્ર ગીતોના વધતા વલણ પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “80ના દાયકામાં ઘણાં ગીતો બેવડા અર્થવાળા કે અર્થહીન હતા. મેં આવા ગીતો લખવાની ઓફરો નકારી કાઢી, કારણ કે તે મારા મૂલ્યો સાથે મેળ ખાતી નહોતી. મને દુઃખ નથી કે આવા ગીતો બન્યા, પરંતુ એ વાતનું દુઃખ છે કે આ ગીતો સુપરહિટ થયા. આ બતાવે છે કે દર્શકો જ ફિલ્મોની દિશા નક્કી કરે છે.”
સમાજની જવાબદારી
અખ્તરે સમાજના મૂલ્યો પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “મેં ઘણા માતાપિતાને ગર્વથી કહેતા સાંભળ્યા છે કે તેમની આઠ વર્ષની દીકરી ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત પર નૃત્ય કરે છે. જો આ સમાજના મૂલ્યો છે, તો ફિલ્મો અને ગીતોમાંથી તમે શું અપેક્ષા રાખો? સમાજ જ આ બધાનો જવાબદાર છે, સિનેમા તો ફક્ત તેની અભિવ્યક્તિ છે.”આ નિવેદનો દ્વારા જાવેદ અખ્તરે ફિલ્મ ઉદ્યોગ અને સમાજના મૂલ્યો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે.