ઉત્તરાધિકારના નિયમોમાં મહત્વનો ફેરફાર
જાપાનની સંસદે શાહી પરિવારના ઉત્તરાધિકાર સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાહી પરિવાર 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના દૂરના પુરુષ સંબંધીઓને દત્તક લઈને ફરી શાહી પરિવારમાં સામેલ કરી શકશે.
મહિલાઓને હજુ પણ સમ્રાટ બનવાનો અધિકાર નથી
નવા નિયમો છતાં જાપાનમાં સમ્રાટ બનવાનો અધિકાર હજુ પણ માત્ર પુરુષોને જ છે. એટલે સમ્રાટ નારુહિતોની એકમાત્ર પુત્રી રાજકુમારી આઈકો ભવિષ્યમાં પણ સિંહાસનની ઉત્તરાધિકારી બની શકશે નહીં.
માત્ર 3 જ પુરુષ ઉત્તરાધિકારી બાકી
હાલમાં શાહી પરિવારમાં સિંહાસનના માત્ર 3 પુરુષ ઉત્તરાધિકારી છે. તેમાં સમ્રાટના ભાઈ પ્રિન્સ ફુમિહિતો, તેમના પુત્ર પ્રિન્સ હિસાહિતો અને પ્રિન્સ હિતાચીનો સમાવેશ થાય છે. પુરુષ વારસદારોની ઓછી સંખ્યાને કારણે સરકારે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે દત્તક લેવાનો વિકલ્પ કેમ પસંદ કર્યો?
જાપાનમાં ઘણા વર્ષોથી મહિલાઓને સમ્રાટ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પરંપરાવાદી નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. તેમના મત મુજબ શાહી પરિવારની પુરુષ વંશ પરંપરા જાળવવી જરૂરી છે. તેથી સરકારે મહિલાઓને ઉત્તરાધિકાર આપવાને બદલે દૂરના પુરુષ સંબંધીઓને ફરી શાહી પરિવારમાં સામેલ કરવાનો રસ્તો પસંદ કર્યો.
11 પૂર્વ શાહી શાખાઓમાંથી જ થશે દત્તક
નવા નિયમ હેઠળ શાહી પરિવાર કોઈપણ બાળકને દત્તક લઈ શકશે નહીં. ફક્ત બીજા વિશ્વ યુદ્ધ પછી શાહી દરજ્જો ગુમાવનારી 11 પૂર્વ શાહી શાખાઓના 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ વંશજોને જ દત્તક લઈ શકાશે.
આ પણ વાંચો: ભારત સાથે સંબંધો સુધારી રહેલા આ દેશે પાકને આપી કરોડો ડોલરની મદદ | જાણો શું છે સમગ્ર મામલો | Offbeat Stories
લગ્ન પછી મહિલાઓ શાહી દરજ્જો ગુમાવશે નહીં
નવા કાયદા મુજબ હવે શાહી પરિવારની મહિલાઓ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે તો પણ તેઓ પોતાનો શાહી દરજ્જો અને સત્તાવાર જવાબદારીઓ જાળવી શકશે. અગાઉ આવા લગ્ન બાદ મહિલાઓને શાહી પરિવાર છોડવો પડતો હતો.
જાપાનમાં 8 મહિલાઓ સમ્રાટ રહી ચૂકી છે
જાપાનના ઇતિહાસમાં અત્યાર સુધી 8 મહિલાઓ સમ્રાટ રહી ચૂકી છે. જોકે, આધુનિક કાયદા હેઠળ માત્ર પુરુષોને જ સિંહાસનનો અધિકાર આપવામાં આવ્યો છે. 1947ના શાહી પરિવાર કાયદા પછીથી મહિલાઓ અથવા તેમના સંતાનોને ઉત્તરાધિકાર મળતો નથી.





