Jamnagar News: જામનગર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષની એક માસુમ દીકરીનું અચાનક નિધન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રમવાની અને અભ્યાસ કરવાની ઉંમરે બનેલી આ ઘટનાએ માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, જામનગરના ચાંદી બજાર મોટા ફળી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોદીની 14 વર્ષની પુત્રી આનંદી રાજેશભાઈ મોદી પરસોત્તમ માસના પ્રસંગે પોતાના મામાના ઘરે રાજકોટ ગઈ હતી. પરિવાર સાથે ખુશીના માહોલમાં સમય પસાર કરી રહેલી આનંદી સાથે અચાનક બનેલી ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.
રેસ્ટોરન્ટમાં રમતી વખતે અચાનક ઢળી પડી
પરિવારજનોના જણાવ્યા અનુસાર, આનંદી પોતાના સંબંધીઓ સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. જમ્યા બાદ અન્ય બાળકોની સાથે તે રમતી હતી. આ દરમિયાન તે દોડતી-રમતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી ગઈ અને તે જમીન પર ઢળી પડી હતી. ઘટનાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ બાળકીની સારવાર શરૂ કરી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયી નહોતી.
પરિવાર અને સમાજમાં શોકની લાગણી
આનંદીના અચાનક નિધનના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક હસમુખી અને ચંચળ દીકરીના આકસ્મિક વિયોગથી સ્વજનો આઘાતમાં સરી પડ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આનંદી સૌની લાડકી હતી અને તેના અચાનક નિધનથી સમગ્ર વિસ્તાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારજનોને સાંત્વના આપવા માટે સગા-સંબંધીઓ અને પરિચિતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
તબીબી કારણો અંગે ચર્ચા
પ્રાથમિક માહિતી અનુસાર, બાળકીને અચાનક હૃદય સંબંધિત તકલીફ સર્જાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે ઘટનાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર તબીબી અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં યુવા અને કિશોર વયના બાળકોમાં પણ હૃદય સંબંધિત સમસ્યાઓના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે આવા બનાવો ચિંતાનો વિષય બની રહ્યા છે.





