Poonch floods: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિએ ભારે તબાહી મચાવી છે. શનિવાર મોડી રાતથી રવિવાર સવાર સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ગામોમાં ઘરો ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રશાસન, પોલીસ અને સેના દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે.
સુરનકોટ સૌથી વધુ પ્રભાવિત
પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે ઘણા મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા. લોઅર મડા ગામમાં ભૂસ્ખલનના કારણે એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ઘરમાલિક મોહમ્મદ લતીફ અને તેમના પરિવારના સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
અનેક ગામોમાં જાનહાનિ
સંગલેયાની ગામમાં મકાન ધરાશાયી થતાં 18 વર્ષીય યુવકનું મોત થયું હતું.
મરહોટ ગામમાં ઈરમ નામની કિશોરી તેજ પ્રવાહમાં તણાઈ જતાં તેનું પણ મોત થયું હતું.
ધુંધક લઠુંગ પુલ નજીક આવેલા નાળામાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
નૂનાબાંડી ગામમાં ભારે વરસાદના કારણે એક મકાન તૂટી પડતાં નાજિયા કૌસર (28)નું મોત થયું હતું. જ્યારે તેમના પતિ અને બે થી છ વર્ષની વયના ત્રણ બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ૉ
બચાવ કામગીરી તેજ
મડા ગામ સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રશાસન, પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમો સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાની માહિતી છે. કાટમાળ હટાવવાની કામગીરી સાથે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે મશીનો અને રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે.
અધિકારીઓએ સ્થિતિનો લીધો તાગ
પૂંછના જિલ્લા વિકાસ અધિકારી અશોક કુમાર શર્મા અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક શફકત હુસૈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં સૌથી મોટી પ્રાથમિકતા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અને અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક રાહત પહોંચાડવાની છે.
લોકોને ચેતવણી
પ્રશાસને લોકોને નદી-નાળા, પહાડી વિસ્તારો અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી વધુ તેજ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 4 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરનાર માતાને આજીવન કેદ : કોર્ટે ફટકાર્યો ₹60 હજારનો દંડ
કેમ મહત્વના છે આ સમાચાર?
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે માત્ર જનજીવનને જ નહીં પરંતુ પરિવહન, રહેણાંક અને બચાવ વ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી સ્થાનિક લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.






