Home Education/Career Jack Dorsey Block Inc Layoffs Suddenly Laid Off 4000 Employees Know Why He Took The Big Decision Even Though Company Was Profitable

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય : એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:24 AM IST

Jack Dorsey Block Inc Layoffs: ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવે હવે સીધી રીતે નોકરીઓ પર તરાપ મારવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર (હવે X) ના સહ-સ્થાપક જેક ડોર્સીની જાણીતી ફિનટેક કંપની Block Inc. એ આશરે 4,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. આ આંકડો કંપનીના કુલ કર્મચારીઓના આશરે 40 ટકા જેટલો થાય છે. અત્યાર સુધી અનેક કંપનીઓએ છટણી કરી છે, પરંતુ જેક ડોર્સીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે આ છટણી પાછળનું મુખ્ય કારણ 'AI' છે.

બ્લોક ઇન્ક. કે જે કેશ એપ (Cash App) અને સ્ક્વેર (Square) જેવી લોકપ્રિય નાણાકીય સેવાઓ ચલાવે છે, તેણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેમનું સંપૂર્ણ ધ્યાન AI પર કેન્દ્રિત છે. કંપનીના મતે, ટેકનોલોજીમાં જે રીતે ઝડપી બદલાવ આવી રહ્યો છે, તેને જોતા કામ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવો અનિવાર્ય છે. આ નિર્ણયથી સિલિકોન વેલી સહિત સમગ્ર વિશ્વની ટેક કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે અને ભવિષ્યમાં માણસોની જગ્યા AI લેશે તેવી ચિંતાઓ વધુ ઘેરી બની છે.

કંપની નફામાં હોવા છતાં કેમ લેવાયો આ નિર્ણય?

આશ્ચર્યની વાત એ છે કે બ્લોક ઇન્ક. કોઈ આર્થિક સંકટમાં નથી. જેક ડોર્સીએ પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે, પરંતુ AI ટેકનોલોજીના ઉપયોગને કારણે હવે ઓછા લોકોની મદદથી વધુ અને ઝડપી કામ કરી શકાય તેમ છે. ડોર્સીના મતે, ઘણી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવામાં જે વિલંબ કરી રહી છે તે જોખમી છે, અને બ્લોકે આગળની રણનીતિ સ્પષ્ટ કરવા માટે પોતાની ટીમનું કદ નાનું કરવાનો નિર્ણય લીધો છે.

રોકાણકારો ખુશ: બ્લોકના શેરમાં 25 ટકાનો ઉછાળો

કર્મચારીઓ માટે આ સમાચાર આઘાતજનક હોવા છતાં શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી છે. આ સમાચાર જાહેર થતાની સાથે જ બ્લોક ઇન્ક. ના શેરમાં 20 થી 25 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોને લાગે છે કે AI ના ઉપયોગથી કંપનીનો ઓપરેટિંગ ખર્ચ ઘટશે અને નફો વધશે. જોકે, ટેક નિષ્ણાતો આ ટ્રેન્ડને કર્મચારીઓના ભવિષ્ય માટે ચિંતાજનક ગણાવી રહ્યા છે.

છૂટા કરાયેલા કર્મચારીઓ માટે વળતરની વ્યવસ્થા

જેક ડોર્સીએ ખાતરી આપી છે કે જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેમને અધવચ્ચે છોડી દેવામાં આવશે નહીં. નિયમો મુજબ તેમને આર્થિક વળતર અને ચોક્કસ સમય સુધી સપોર્ટ પેકેજ આપવામાં આવશે. કંપનીની હાજરી અલગ-અલગ દેશોમાં હોવાથી, તે દેશના સ્થાનિક કાયદા મુજબ કર્મચારીઓને વળતર ચૂકવવામાં આવશે.

શું AI ખરેખર માણસોની જગ્યા લઈ રહ્યું છે?

બ્લોક ઇન્ક. નું આ પગલું એક મોટા ગ્લોબલ ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે. ટેક નિષ્ણાતોનું માનવું છે કે ખાસ કરીને ફિનટેક અને ડેટા સેક્ટરમાં જ્યાં પુનરાવર્તિત (Repetitive) કામ વધુ હોય છે, ત્યાં AI ખૂબ જ ઝડપથી જગ્યા લઈ રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચા જગાવી છે કે આવનારા સમયમાં માણસોએ પણ પોતાની સ્કિલ્સ બદલવી પડશે, નહીંતર AI તેમની નોકરીઓ છીનવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now