Israel Death Penalty: ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન આરોપીઓને લઈને એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ કાયદો પસાર થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે. ઇઝરાયલી સંસદ (નેસેટ) દ્વારા પસાર કરાયેલા આ બિલ મુજબ હવે વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયન લોકો પર આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા ઇઝરાયલી નાગરિકોની હત્યા જેવા ગંભીર આરોપોમાં સીધી મૃત્યુદંડની સજા આપી શકાય છે. ખાસ વાત એ છે કે આ સજામાં અપીલનો અધિકાર પણ આપવામાં આવ્યો નથી અને સજા જાહેર થયાના 90 દિવસની અંદર ફાંસી આપવામાં આવશે. આ કાયદાને લઈને રાજકીય, કાનૂની અને માનવાધિકારના સ્તરે ભારે ચર્ચા અને વિરોધ જોવા મળી રહ્યો છે.
કાયદામાં શું છે ખાસ જોગવાઈઓ?
નવા કાયદા મુજબ, રાષ્ટ્રવાદી અથવા આતંકવાદી ઇરાદાથી કરવામાં આવેલી હત્યાના કેસમાં પેલેસ્ટિનિયન આરોપીઓને સીધી ફાંસીની સજા સંભળાવી શકાશે. આ પ્રક્રિયામાં અપીલનો અધિકાર નહીં હોય, જોકે વિશેષ પરિસ્થિતિમાં અદાલત આજીવન કેદનો વિકલ્પ આપી શકે છે. આ કાયદાથી મિલિટરી કોર્ટના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવે ન્યાયાધીશો સર્વસંમતિ વિના પણ મૃત્યુદંડ આપી શકે છે.
મંત્રીઓએ સંસદમાં જ ઉજવણી કરી
આ બિલ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇત્તમાર બેન ગ્વિરે આગળ વધાર્યું હતું. બિલ પસાર થતાં જ તેમણે અને અન્ય સાંસદોએ સંસદમાં જ શેમ્પેન ખોલીને ઉજવણી કરી હતી. બેન ગ્વિરે નિવેદન આપ્યું કે, “જે યહૂદીઓની હત્યા કરશે, તે જીવતો નહીં રહે.” આ પ્રકારની ઉજવણીને લઈને પણ વિવાદ ઉઠ્યો છે.
અલગ-અલગ સમુદાયો માટે અલગ કાયદો
વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન લોકો પર મિલિટરી કાયદો લાગુ પડે છે, જ્યારે ત્યાં રહેતા ઇઝરાયલી યહૂદીઓ પર સિવિલિયન કાયદો લાગુ પડે છે. તેના કારણે એક જ પ્રકારના ગુનામાં બંને સમુદાયો માટે અલગ-અલગ સજા થઈ શકે છે, જેને કારણે આ કાયદા પર ભેદભાવના આરોપો લાગ્યા છે.
આ પણ વાંચો: બંગાળમાં ભાજપનો મોટો દાવ : TMCને મોટો ફટકો, ટેનિસના 'કિંગ' સ્ટાર લિએન્ડર પેસે ધારણ કર્યો કેસરીયો
માનવાધિકાર સંગઠનોનો વિરોધ
ઇઝરાયલ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો દ્વારા આ કાયદાને વંશીય ભેદભાવપૂર્ણ અને બદલો લેવાની નીતિ ગણાવવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે આ કાયદો પેલેસ્ટિનિયન લોકો સામે અણન્યાય વધારશે અને હિંસાને પ્રોત્સાહન આપશે. વિપક્ષી નેતા યાયર લાપિડે પણ આ બિલની ટીકા કરતા કહ્યું કે “અમે હમાસ જેવા નથી.”
સુપ્રીમ કોર્ટમાં પડકાર
બિલ પસાર થયા બાદ તરત જ ઇઝરાયલના નાગરિક અધિકાર સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાની માંગ કરી છે. હવે આ મામલે કાનૂની લડાઈ પણ તેજ બનવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા
જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને બ્રિટન જેવા દેશોએ પણ આ કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આ નિર્ણય ઇઝરાયલના લોકતાંત્રિક મૂલ્યોને અસર પહોંચાડી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પણ પહેલા જ વેસ્ટ બેંકની મિલિટરી અદાલતો અંગે પ્રશ્નો ઉઠાવી ચૂક્યું છે.
ઇતિહાસમાં ખૂબ ઓછા કેસમાં ફાંસી
ઇઝરાયલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વખત જ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. 1948માં મેયર ટોબિયાન્સ્કી અને 1962માં હોલોકોસ્ટના મુખ્ય આરોપી એડોલ્ફ આઇચમેનને ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદથી દેશમાં મૃત્યુદંડનો ઉપયોગ લગભગ બંધ રહ્યો છે.





