ઇઝરાયલ સરકારે ઉત્તરપૂર્વ ભારતના બ્નેઇ મેનાશે સમુદાયના મુળ વંશજ એવા 5800 લોકોને આગામી પાંચ વર્ષમાં સ્વદેશ પરત લાવવા માટે ઐતિહાસિક મંજૂરી આપી છે. સદીઓ પહેલાં થયેલા અત્યાચારોને કારણે આ સમુદાય પોતાના પૂર્વજોના પ્રદેશમાંથી વિખેરાઈ ગયો હતો. લંબિત સમયથી ચાલી રહેલા દાવા અને ઓળખ સંબંધિત ચર્ચાઓ બાદ હવે તેમને સત્તાવાર આલિયાહ પ્રક્રિયાથી ઇઝરાયલ લાવવામાં આવશે. યહૂદી એજન્સી અનુસાર, આ અત્યાર સુધીની સૌથી સુવ્યવસ્થિત અને વિશાળ ઇમિગ્રેશન પહેલ છે.
2030 સુધી તમામ સભ્યોને સ્વદેશ પહોંચાડવાનો લક્ષ્યાંક
યહૂદી એજન્સીએ જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ 2030 સુધીમાં સમૂહના બાકી રહેલા તમામ 5800 સભ્યોને ઇઝરાયલ લાવવાનો છે. આમાં 2026 માટે પહેલેથી મંજૂર કરાયેલા 1200 લોકોનો સમાવેશ થાય છે. પહેલી વાર આખી પસંદગી પ્રક્રિયા, ધાર્મિક મંજૂરીઓથી લઇને રહેણાંકની વ્યવસ્થા સુધીનું સંકલન એજન્સી સીધું કરશે.
મોટા પાયે ખર્ચ અને વ્યવસ્થાઓ
આ સમગ્ર યોજનાનો અંદાજિત ખર્ચ 90 million shekel લગભગ 27 million dollar આસપાસ હશે. તેમાં ઇઝરાયલ માટેની ફ્લાઇટ્સ, સંપૂર્ણ કન્વર્ઝન પ્રક્રિયા, હિબ્રુ ભાષા અભ્યાસ, રહેઠાણ અને આગમન પછીની સહાય સેવાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલના ઇમિગ્રેશન અને ઇન્ટિગ્રેશન મંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કેબિનેટે સ્વીકાર્યા બાદ કાર્યયોજનાને ગતિ મળી છે. મોટી સંખ્યામાં રબ્બીઓ ટૂંક સમયમાં ભારતમાં મુલાકાત લેશે જ્યાં તેઓ લગભગ 3000 લોકોની પાત્રતા તપાસશે.
પહેલાના તબક્કાઓ અને નવા નિવાસ ક્ષેત્રો
અગાઉ આ સમુદાયના 1200 લોકો પશ્ચિમ કાંઠે સ્થાયી કરાયા હતા. હવે નવા આવતા સભ્યોને ઉત્તર ઇઝરાયલમાં ખાસ કરીને નોફ હાગાલિલ વિસ્તારમાં વસવાટ કરાવવામાં આવશે. યહૂદી એજન્સીના જણાવ્યા મુજબ ઇઝરાયલી સરકાર અને વિવિધ મંત્રાલયો વચ્ચેનું સંકલન આ પ્રક્રિયાને વધુ સુગમ બનાવશે.
2700 વર્ષ જૂનો ઇતિહાસ અને ઓળખની ચર્ચા
બ્નેઇ મેનાશે સમુદાયનું વંશજ મૂળ પ્રાચીન મેનાશે જાતિ સુધી પહોંચે છે, જેને લગભગ 2700 વર્ષ પહેલાં પોતાના પ્રદેશમાંથી વિખેરવામાં આવી હતી. ઘણા નિષ્ણાતોના મતે તેમની યહૂદી ઓળખ અંગે ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. એક બીજા દાવા મુજબ પશ્તુનોને પણ આ જૂની 10 જાતિઓમાં ગણવામાં આવે છે કારણ કે તેમની કેટલીક પરંપરાઓ યહૂદી પરંપરાઓ સાથે મેળ ખાતી જોવા મળે છે.
હાલમાં લગભગ 2500 બ્નેઇ મેનાશે ઇઝરાયલમાં વસે છે અને ઘણા યુવાનો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝના Combat units માં સેવા આપતા હોવાનું જણાવાય છે.





















