Home Gujarat Ahmedabad Iscon Ambli Road Construction Site Crane Accident Laborer Death Live Lost

અમદાવાદમાં મોટી દુર્ઘટના : કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટ્યો, એક શ્રમિકનું મોત; એક ગંભીર

Ahmedabad Accident, Iscon Ambli Road, Crane Cable Snap,
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 12:10 PM IST

અમદાવાદ: શહેરના પોશ ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઇટ પર ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. એચ.એન. સફલ બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા તેમાં સવાર બે શ્રમિકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના નિર્માણ કાર્ય વચ્ચે શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ઇસ્કોન-આંબલી રોડ પર એચ.એન. સફલ બિલ્ડરની 'મોડલ 2' નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે કામગીરી ચાલી રહી હતી ત્યારે આ કરુણ બનાવ બન્યો હતો. ક્રેન દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કેબલ તૂટી ગયો હતો અને ક્રેનમાં સવાર શ્રમિકો જમીન પર પટકાયા હતા. આ અકસ્માતને પગલે સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

ક્રેનમાં સવાર હતા બંને શ્રમિકો

પ્રાથમિક વિગતો મુજબ, જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બંને શ્રમિકો ક્રેન પર સવાર થઈને કામ કરી રહ્યા હતા. અચાનક ક્રેનનો કેબલ તૂટી જતાં બંને શ્રમિકો હવામાંથી સીધા જમીન પર પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાવાને કારણે શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક શ્રમિકનું માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજા થવાથી સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

આ પણ વાંચો: ગરમી વચ્ચે ગુજરાતીઓ માટે ગુડ ન્યુઝ! હવે ના કરતા ACનો ખર્ચો : અંબાલાલ કાકાએ કરી દીધી વરસાદની આગાહી

અન્ય એક શ્રમિક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બીજા શ્રમિકને તાત્કાલિક અસરથી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાઇટ પર બનેલી આ ઘટનાને પગલે શ્રમિકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સેટેલાઇટ પોલીસ ઘટનાસ્થળે

દુર્ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના પાછળ કોઈ બેદરકારી જવાબદાર છે કે કેમ અને સાઇટ પર સુરક્ષાના સાધનોની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

બિલ્ડરની સાઇટ પર સુરક્ષા સામે સવાલ

એચ.એન. સફલ બિલ્ડરની 'મોડલ 2' સાઇટ પર થયેલા આ શ્રમિકના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ક્રેન જેવી મહત્વની મશીનરીના મેન્ટેનન્સમાં ખામી હતી કે કેમ તે બાબત હવે તપાસનો વિષય બની છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સલામતીના ધજાગરા ઉડાવતી જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now