Iran US Deal: ઈરાન અને અમેરિકા વચ્ચે રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં એક ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. આ આંતરિમ ડીલ આ સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ સમજૂતીમાં યુદ્ધ રોકવા, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલવા અને ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ડીલ ફાઈનલ થઈ હોવાની જાહેરાત કરી છે, જોકે કેટલાક જટિલ મુદ્દાઓ પર ચર્ચા જિનીવા ડીલ બાદ પણ ચાલુ રહેશે.
ઈરાન સાથે જોડાયેલા હેકર ગ્રુપનો દાવો : 'FBIના ડ્રોન હેક કર્યા, અમેરિકામાં FIFA મેચને બનાવીશું નિશાન'
રિપોર્ટ અનુસાર, એક રાજદ્વારીએ જણાવ્યું છે કે બંને પક્ષો 'મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ' (MoU) ના લખાણ પર સહમત થયા છે. જોકે, તેને અંતિમ મંજૂરી મળવાની હજુ બાકી છે. આ સમજૂતીની મુખ્ય 6 બાબતો નીચે મુજબ છે..
સમજૂતીની મુખ્ય શરતો:
60 દિવસનો યુદ્ધવિરામ: સમજૂતી પર હસ્તાક્ષર થતાની સાથે જ લેબનોન સહિત તમામ મોરચે 60 દિવસ માટે સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થશે.
હોર્મુઝ જલમાર્ગ: હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલી દેવામાં આવશે અને ઈરાન અહીંથી પસાર થતા જહાજો પાસેથી કોઈ ફી વસૂલશે નહીં.
સામાન્ય વાહનવ્યવહાર: હસ્તાક્ષરના 30 દિવસ પછી, આ જલમાર્ગ પર ટ્રાફિક યુદ્ધ પહેલાના સ્તર પર પાછો આવી જશે.
નાકાબંધી અને પ્રતિબંધો: ઈરાની બંદરો પરથી અમેરિકી નાકાબંધી હટાવી લેવામાં આવશે અને તેહરાનને આર્થિક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે.
પરમાણુ હથિયાર: ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર હાંસલ નહીં કરે તેવી ખાતરી અને ગેરંટી આપશે.
ઈસ્લામાબાદ સમજૂતી: આ ડીલને 'ઈસ્લામાબાદ ઘોષણા' તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેમાં પાકિસ્તાને મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે.
ઓમાન કિનારે વ્યાવસાયિક જહાજો પર હુમલાઓ મુદ્દે ભારતનો ફરી કડક વિરોધ : અમેરિકી રાજદૂતને બીજી વાર તલબ
પાકિસ્તાનનું નામ અને જિનીવામાં હસ્તાક્ષર
ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હસ્તાક્ષર સમારોહમાં હાજર રહી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમારોહ રવિવારે જિનીવામાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. આ સ્થળ G7 સમિટના સ્થળની નજીક છે જ્યાં ટ્રમ્પ આગામી સપ્તાહે હાજરી આપવાના છે. પાકિસ્તાનની મધ્યસ્થીને માન્યતા આપતા આ સમજૂતીનું નામ પાકિસ્તાનની રાજધાની પરથી રાખવામાં આવ્યું છે. જોકે, ઈરાની અધિકારીઓએ હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ 3 પેન્ડિંગ મુદ્દાઓ પર પછીથી ચર્ચા થશે
ઈરાની ન્યૂઝ એજન્સી IRNA ના જણાવ્યા મુજબ, કેટલાક મુદ્દાઓ હાલની ડીલનો ભાગ નથી, જેના પર આગામી 60 દિવસમાં ચર્ચા થશે
1. શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવો.
2. તમામ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવા.
3. નુકસાનની ભરપાઈ માટે મિકેનિઝમ તૈયાર કરવું.
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં શું ભારત થશે સામેલ? : G7 સમિટમાં મોદી-મેક્રોન બેઠકમાં થશે મહત્વની ચર્ચા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના ફ્રીઝ થયેલા અબજો ડોલરના ફંડમાંથી અડધો હિસ્સો જાહેર થયા બાદ અને તેલના પ્રતિબંધો સ્થગિત થયા પછી જ અંતિમ તબક્કાની વાતચીત શરૂ થશે.





