Home International Iran Multiple Cities Explosions Israel Us Tension

ઈરાનના 7 શહેરોમાં ભયાનક વિસ્ફોટોથી ફફડાટ : 5ના મોત અને અનેક ઘાયલ, ઈઝરાયેલે હુમલામાં સામેલ હોવાનો કર્યો ઈનકાર

ઈરાનના 7 શહેરોમાં ભયાનક વિસ્ફોટોથી ફફડાટ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 04:32 PM IST

ઈરાનમાં શનિવારે રાત્રે એકસાથે અનેક શહેરોમાં વિસ્ફોટો થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની તેહરાન સહિત પરંદ, તબરીઝ, કોમ, અહવાઝ, નતાન્ઝ અને બંદર અબ્બાસ જેવા મહત્વના શહેરોમાં ધડાકા સંભળાયા છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 14 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે, ઈરાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રહેણાંક ઇમારતોમાં વિસ્ફોટ અને તબાહી

સરકારી અખબાર 'તેહરાન ટાઈમ્સ' ના જણાવ્યા અનુસાર, અહવાઝમાં એક રહેણાંક ઇમારતમાં ગેસ વિસ્ફોટ થતાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ બંદર અબ્બાસમાં થયેલા વિસ્ફોટમાં બે માળની ઇમારત ધરાશાયી થઈ છે અને અનેક દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને સરકારી ટીવી પર પ્રસારિત તસવીરોમાં ઇમારતોના આગળના ભાગો સંપૂર્ણપણે નાશ પામેલા જોઈ શકાય છે. ઈરાની એજન્સી IRNA ના જણાવ્યા મુજબ, બચાવ કામગીરી હેઠળ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

ઈઝરાયેલનો હુમલામાં હાથ હોવાનો ઈનકાર

આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે પશ્ચિમ એશિયામાં ભારે તણાવની સ્થિતિ છે. જોકે, ઈઝરાયેલના બે ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાઓમાં ઈઝરાયેલનો કોઈ હાથ નથી. બીજી તરફ, તસ્નીમ ન્યૂઝ એજન્સીએ રિવોલ્યુશનરી ગાર્ડના નૌકાદળના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યા હોવાની અફવાઓને સદંતર ફગાવી દીધી છે.

અમેરિકાની સૈન્ય હિલચાલ અને ઈરાનની ચેતવણી

ઈરાનમાં છેલ્લા 35 દિવસથી સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં હજારો લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ આંતરિક અશાંતિ વચ્ચે પર્સિયન ગલ્ફમાં અમેરિકાએ એરક્રાફ્ટ કેરિયર, જાસૂસી ડ્રોન અને P-8 Poseidon સૈન્ય વિમાન તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલ દેશની આર્થિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ઈરાનના સેના પ્રમુખ અમીર હાતમીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો દુશ્મન કોઈ પણ પ્રકારની ભૂલ કરશે, તો ઈરાની સેના જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now