Middle East War: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઈરાન સાથે પરમાણુ અને શાંતિ કરાર કરવા માટે અમેરિકાના રાજદ્વારી પ્રયાસો ચાલુ છે, પરંતુ ઈરાન શરતો માનવા તૈયાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ઈરાનની શરતો પર કરાર કરવા માંગતા નથી. આ દરમિયાન સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે આવતા અઠવાડિયે અમેરિકા અને ઈઝરાયેલ ફરીથી ઈરાન પર હુમલો કરી શકે છે. આ માટે સૈન્ય તૈયારીઓ ચાલી રહી છે અને ટાર્ગેટ લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે, બસ બંને દેશોની સેનાઓ હુમલાની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહી છે.
બંને દેશોની સેનાની ઈમરજન્સી મીટિંગ
CNNના અહેવાલ મુજબ, ઈઝરાયેલની સેના (IDF) અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) વચ્ચે ઈમરજન્સી બેઠકો યોજાઈ છે. આ બેઠકમાં ઈરાન પર ફરીથી હુમલો કરવા અંગે સહમતિ સધાઈ હતી અને ટાર્ગેટ ફાઈનલ કરવામાં આવ્યા હતા. મીટિંગની વિગતો (મિનિટ્સ) ટ્રમ્પ અને નેતન્યાહુને આપીને ટાર્ગેટ લિસ્ટ પણ સોંપી દેવામાં આવ્યું છે. ઈઝરાયેલે અમેરિકા પર દબાણ બનાવ્યું છે કે ઈરાન પર ફરીથી હુમલા કરવામાં આવે. આ કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે 8 એપ્રિલે થયેલું યુદ્ધવિરામ વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લઈ રહ્યું છે, કારણ કે ઈરાન-અમેરિકાની બે શાંતિ વાર્તાઓ નિષ્ફળ રહી છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર 17 કરોડથી વધુની ચાંદી ભરેલી વેન પલટી : 600 કિલો ચાંદી જોઈ લોકોના ટોળા ઉમટ્યા
ઈરાન-અમેરિકા વચ્ચે કરારની કોઈ શક્યતા નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે મીડિયાને નિવેદન આપ્યું છે કે ઈરાન સાથે શાંતિ સમજૂતીના પ્રયાસો હવે સમાપ્ત થઈ ગયા છે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં યોજાયેલી બે રાઉન્ડની શાંતિ વાર્તા નિષ્ફળ ગઈ છે. ઈરાન હવે શાંતિ વાર્તાની પહેલ નથી કરી રહ્યું અને અમેરિકાને પણ તેની કોઈ આશા નથી. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) પર સંપૂર્ણ સાર્વભૌમ અધિકાર ઈચ્છે છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ માટે નવી મેનેજમેન્ટ પોલિસી બનાવીને ટેક્સ વસૂલવાની તૈયારીમાં છે. આ સિવાય તે પોતાનો પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ પણ બંધ કરવા તૈયાર નથી. આ કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
ઈઝરાયેલે હુમલા માટે ટાર્ગેટ લિસ્ટ બનાવ્યું
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલનો સંકલ્પ ઈરાનના બાકી બચેલા પરમાણુ મથકો અને મિસાઈલ સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે. આથી ઈઝરાયેલી ન્યૂઝ એજન્સી KANના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલે જ ઈરાન પર હુમલા માટે ટાર્ગેટ લિસ્ટ તૈયાર કર્યું છે આગામી હુમલા માટેના ટાર્ગેટ લિસ્ટમાં ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ, મિસાઈલ બનાવતી ફેક્ટરીઓ, સૈન્ય મથકો અને કમાન્ડ સેન્ટર્સનો સમાવેશ થાય છે. જો આ ટાર્ગેટ પર અત્યારે નિશાન સાધવામાં નહીં આવે, તો ઈરાન ફરીથી મજબૂત થઈ જશે અને પછી તેના પર હુમલા કરીને તેને નબળો પાડવો પડશે. અત્યારે તે નબળી સ્થિતિમાં છે, તેથી તેને તોડવો વધુ સરળ રહેશે.
ઈરાન પર ફરી હુમલાના ગંભીર પરિણામો આવી શકે છે
ઈઝરાયેલનું માનવું છે કે ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવાની આ છેલ્લી તક છે. બીજી તરફ, અમેરિકા પણ ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા દેવા માંગતું નથી, પરંતુ હજુ સુધી હુમલાની મંજૂરી આપી નથી. કારણ કે જો ઈરાન પર હુમલો થશે તો હોર્મુઝ સ્ટ્રેટથી તેલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ ઘેરું બનશે. મિડલ ઈસ્ટમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. લેબનાન, સીરિયા, યમન અને ઈરાક જેવા દેશોમાં તણાવ વધી શકે છે. તેલ અને ગેસની કિંમતો આસમાને પહોંચી શકે છે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર ડગમગી જશે.





