Home International Iran Internet Shutdown Threat Global Impact India Explained

જો આવું થશે તો..સમગ્ર વિશ્વનું ઠપ થઈ જશે ઇન્ટરનેટ? : ઈરાન એવું તે શું કરશે કે આખી દુનિયામાં મચ્યો છે ફફડાટ

iran israel war
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 02:00 AM IST

iran israel war: મિડલ ઈસ્ટમાં તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો, બલ્કે તે દરરોજ વધી રહ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, હવે આ યુદ્ધ એક નવા અને ડરામણા મોડ પર પહોંચી ગયું છે. ઈરાન સાથે જોડાયેલા મીડિયા અને સુરક્ષા એજન્સીઓએ સંકેત આપ્યો છે કે હવે સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સ પર પણ હુમલો થઈ શકે છે. જણાવી દઈએ કે, આ એ જ કેબલ્સ છે જેના દ્વારા વિશ્વનું લગભગ તમામ ઇન્ટરનેટ ચાલે છે. જો આવું થશે, તો શું સમગ્ર વિશ્વનું ઇન્ટરનેટ ઠપ થઈ જશે?

અત્યાર સુધી ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેલ, જહાજ અને મિસાઈલ સુધી મર્યાદિત હતું, પરંતુ હવે આ યુદ્ધ 'ડેટા વોર' સુધી પહોંચતું દેખાય છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) સાથે જોડાયેલા મીડિયાએ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટની નીચે આવેલા કેબલ નેટવર્કને હાઈલાઈટ કર્યું છે. તેનો અર્થ એ છે કે ઈરાનનું આગામી લક્ષ્ય અંડરસી કેબલ હોઈ શકે છે અને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોખમમાં આવી શકે છે.

હોર્મુઝ કેમ મહત્વનું છે?

ખરેખર, હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલનો માર્ગ નથી, પરંતુ તે ડિજિટલ વિશ્વનો પણ એક મોટો 'ચોકપોઈન્ટ' છે. અહીંથી ઘણી આંતરરાષ્ટ્રીય ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પસાર થાય છે, જે એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટને જોડે છે. જો અહીં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તો તેની અસર માત્ર કોઈ એક દેશ પર નહીં પરંતુ અનેક દેશોની ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પડશે.

કેટલી કેબલ્સ બિછાવેલી છે?

રેડ સી (લાલ સમુદ્ર) અને હોર્મુઝની આસપાસ ડઝનબંધ સબમરીન કેબલ્સ આવેલી છે. માત્ર રેડ સીમાં જ આશરે 15 થી 20 કેબલ્સ પસાર થાય છે. આ કેબલ્સ મળીને એશિયા, યુરોપ અને આફ્રિકા વચ્ચેના ડેટા ટ્રાફિકનો મોટો હિસ્સો મેનેજ કરે છે. કેટલાક અહેવાલો મુજબ, વિશ્વનો 95% થી વધુ ઇન્ટરનેટ ડેટા આ અંડરસી કેબલ્સ દ્વારા ચાલે છે. હવે જો એક-બે કેબલ કપાય તો તેની અસર મર્યાદિત રહેશે, પરંતુ જો એકસાથે અનેક કેબલ્સને નુકસાન થાય તો ઇન્ટરનેટ સ્પીડ ધીમી થઈ શકે છે, વેબસાઈટ્સ ડાઉન થઈ શકે છે અને બેંકિંગ, ક્લાઉડ તથા ડિજિટલ સર્વિસિસ પર પણ અસર પડી શકે છે.

શું ભારતને પણ ખતરો છે?

ભારત આ બાબતમાં સંપૂર્ણપણે સુરક્ષિત નથી. ભારતનો લગભગ 60% ઇન્ટરનેટ ટ્રાફિક પશ્ચિમ તરફ એટલે કે મિડલ ઈસ્ટ અને યુરોપ જતી કેબલ્સ દ્વારા પસાર થાય છે. જેનો અર્થ એ છે કે જો હોર્મુઝ કે રેડ સીમાં કેબલ્સને નુકસાન થાય, તો ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ શકે છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ વેબસાઇટ્સ, ક્લાઉડ સર્વિસિસ અને ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ પર તેની અસર પડી શકે છે. જોકે ભારત પાસે બીજો રસ્તો પણ છે, જે પૂર્વમાં સિંગાપોર અને પેસિફિક દ્વારા જાય છે, પરંતુ તે સંપૂર્ણ રીતે બેકઅપ બની શકતો નથી. તેથી જોખમ તો રહેલું જ છે.

કેબલ કપાઈ જાય તો શું થશે?

જો કોઈ પણ સંજોગોમાં કેબલ કપાઈ જાય, તો તેની સૌથી પહેલી અસર ઇન્ટરનેટની સ્પીડ પર પડશે. ત્યારબાદ ધીમે ધીમે મોટા પ્લેટફોર્મ પર પણ તેની અસર સ્પષ્ટ દેખાશે. બેંકિંગ ટ્રાન્ઝેક્શન, UPI, ક્લાઉડ સર્વિસિસ, વીડિયો સ્ટ્રીમિંગ અને ઇન્ટરનેશનલ કોલિંગ પ્રભાવિત થઈ શકે છે. જો નુકસાન વધુ હોય અને રિપેરિંગ ટીમ ત્યાં સુધી ન પહોંચી શકે, તો સમસ્યા કેટલાય અઠવાડિયા કે મહિનાઓ સુધી પણ ચાલી શકે છે.

માત્ર ધમકી કે અસલી ખતરો?

નિષ્ણાતો માને છે કે આ માત્ર સીધી ધમકી નથી, પરંતુ એક વ્યૂહાત્મક સંકેત પણ છે. એટલે કે જો યુદ્ધનો સમય વધશે તો ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિશાન બની શકે છે. જોકે, એક મોટી વાત એ પણ છે કે જો ઈરાન કેબલ્સ કાપે છે, તો તેનાથી તેનું પોતાનું ઇન્ટરનેટ પણ પ્રભાવિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now