તેહરાન: ઈઝરાયલી અને અમેરિકન દ્વારા તેના પરમાણુ સ્થળો પર હુમલા બાદ ઈરાન હાલમાં મોસાદના એજન્ટોની શોધ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઈઝરાયલે ઈરાનમાં ઘણા મોટા ઓપરેશનો હાથ ધરવા માટે આ જાસૂસોની મદદ લીધી હતી. આમાં ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા અને હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા પર હુમલાની ઘટનાનો પણ સમાવેશ થાય છે.
આ ઘટનાઓ પછી, ઈરાને ઈઝરાયલ માટે જાસૂસી કરવાની શંકાના આધારે સેંકડો લોકોની અટકાયત કરી છે. તેમાંથી ત્રણને ઈઝરાયલી એજન્ટ ગણાવી ફાંસી આપવામાં આવી છે, જ્યારે બાકીના શંકાસ્પદોની અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ત્રણ લોકોને ફાંસી
ઈરાને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ માટે જાસૂસી કરવા અને એક અજાણ્યા વ્યક્તિની હત્યામાં વપરાયેલા સાધનોની દાણચોરીના આરોપમાં ત્રણ લોકોને ફાંસી આપી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન અમેરિકાની મધ્યસ્થીથી 12 દિવસના યુદ્ધ પછી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઈરાનનાં અધિકારીઓએ ત્રણેય પર મોસાદ સાથે સહયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે તેમના વિશે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
700 થી વધુ લોકોની ધરપકડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ સાથે સંબંધો હોવાના આરોપસર 700 થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ઇઝરાયલ સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇરાને અગાઉ મોસાદ સાથે સંકળાયેલા ઘણા લોકોની ધરપકડ કરી છે અને જાસૂસીના આરોપસર તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે. ઇરાનને ડર છે કે ઇઝરાયલી એજન્ટો તેના લશ્કરી અને પરમાણુ સુવિધાઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ઇરાનનું કહેવું છે કે ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદ સ્લીપર સેલ અને ગુપ્ત એજન્ટોની મદદથી તેમના દેશમાં સતત હુમલા કરી રહી છે, જેના કારણે તેને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ કારણોસર, ઇરાન આ એજન્ટોની ધરપકડ માટે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આ એજન્ટો સમગ્ર દેશમાં સક્રિય છે.






