અમેરિકા પર યુદ્ધવિરામ ભંગનો આરોપ
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ઈરાને અમેરિકા પર સીઝફાયર (યુદ્ધવિરામ) તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, અમેરિકી સેનાએ ઓમાનની ખાડીમાં ઈરાનના ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે, જેના પગલે ઈરાને હવે આક્રમક વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે.
ઓઈલ ટેન્કરો અને નાગરિક વિસ્તારો પર હુમલાનો દાવો
ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ જણાવ્યું કે, અમેરિકી સેનાએ જાસ્ક નજીક ઈરાની દરિયાઈ વિસ્તારમાંથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહેલા એક તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, ફુજૈરાહ બંદર પાસે બીજા એક જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાને એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાએ કેટલાક પ્રાદેશિક દેશોના સહયોગથી બંદર ખામીર, સિરિક અને કેશ્મ ટાપુના રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે.
ઈરાનની જડબાતોડ જવાબની ચેતવણી
આ ઘટના બાદ ઈરાન અત્યંત આક્રમક મૂડમાં છે. ઈરાની સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ પ્રકારની ચાંચિયાગીરી અને આતંકવાદી હરકતો સામે કોઈપણ ખચકાટ વિના કડક જવાબ આપશે. જોકે, આ હુમલાઓમાં કેટલું નુકસાન થયું છે કે કેટલા લોકોના મોત થયા છે, તેની હજુ સુધી કોઈ સત્તાવાર કે સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.






