Home National Ips B Sumathi Undercover Operation Hyderabad Women Safety

IPS સુમતિનું મધરાતે સાહસિક ઓપરેશન : સામાન્ય મહિલા બનીને બસ સ્ટેન્ડ પર ઉભા રહ્યા, 40 શખ્સોએ કરી પજવણી

IPS B Sumathi Undercover Operation
Published by: Vaishnavi Pathak
Last Updated: May 07, 2026, 04:50 AM IST

હૈદરાબાદમાં મહિલાઓની સુરક્ષાની વાસ્તવિકતા જાણવા માટે મલકાજગિરીના નવા પોલીસ કમિશનર બી. સુમતિ (IPS) એ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે જ તેમણે કોઈ પણ સુરક્ષા કે સરકારી વાહન વગર મધરાતે અંડરકવર ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ સામાન્ય ડ્રેસમાં મધરાતે 12:30 થી 3:30 વાગ્યા સુધી દિલસુખનગર બસ સ્ટેન્ડ પર એકલા ઉભા રહ્યા હતા.

3 કલાકમાં 40 લોકોએ કરી પજવણી

આ ઓપરેશન દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી હતી. કમિશનર સુમતિને સામાન્ય મહિલા સમજીને માત્ર 3 કલાકમાં અંદાજે 40 જેટલા પુરુષોએ તેમની પાસે આવીને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સોમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો પણ સામેલ હતા, જેમાંથી કેટલાક નશાની હાલતમાં હતા. તેઓ એ વાતથી અજાણ હતા કે જે મહિલાને તેઓ હેરાન કરી રહ્યા છે તે શહેરના ટોચના પોલીસ અધિકારી છે.

પૂર્વ આયોજિત ટીમ ત્રાટકી અને અટકાયત કરી

જ્યારે સ્થિતિ વધુ ગંભીર બની ત્યારે કમિશનરે સિગ્નલ આપતા જ નજીકમાં તૈનાત પોલીસ ટીમો ત્રાટકી હતી. પોલીસે આ તમામ 40 શખ્સોની અટકાયત કરી હતી. કમિશનર સુમતિએ આ શખ્સો પર તાત્કાલિક કેસ દાખલ કરવાને બદલે તેમને કાઉન્સેલિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે યુવાનોને કાયદાકીય પરિણામો વિશે ચેતવણી આપી હતી અને મહિલાઓ પ્રત્યે આદર રાખવાની શીખ આપી હતી.

આ પણ વાંચો: ક્રાઈમ રિપોર્ટ 2026 | ભારતમાં ગુનાખોરીના દરમાં 6% નો ઘટાડો, પણ સાયબર ક્રાઈમમાં ઉછાળો | Offbeat Stories

25 વર્ષ પહેલા પણ કર્યું હતું આવું જ ઓપરેશન

નોંધનીય છે કે બી. સુમતિએ તેમના કરિયરની શરૂઆતમાં પણ કાઝીપેટ રેલ્વે સ્ટેશન પાસે આવું જ એક ઓપરેશન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલાઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને ભવિષ્યમાં પણ આવા ઓચિંતા ચેકિંગ ચાલુ રહેશે. આ ઓપરેશને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે અને લોકો IPS અધિકારીના આ પગલાને બિરદાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now