મુંબઈમાં શનિવારની મધરાતે બનેલા એક ભયાનક માર્ગ અકસ્માતે ફરી એકવાર બેદરકાર અને અતિઝડપી ડ્રાઇવિંગના જોખમો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જન્મદિવસની ઉજવણી બાદ પરત ફરી રહેલા ત્રણ મિત્રોની BMW કાર મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પર અકસ્માતનો ભોગ બની હતી. કારની ઝડપ આશરે 250 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કાર ચલાવતો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.
મૃતકોની ઓળખ 26 વર્ષીય યોગેશ નેગી અને 24 વર્ષીય રેબેકા જેકબ તરીકે થઈ છે. બંને મુંબઈના બાંદ્રા વિસ્તારના રહેવાસી હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા BMW કારના માલિક અંગદને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ, યોગેશ નેગીનો જન્મદિવસ હોવાથી ત્રણેય મિત્રો શનિવારે સાંજે બદલાપુર વિસ્તારમાં ઉજવણી કરવા ગયા હતા અને ત્યારબાદ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા.
250 કિમીની ઝડપે દોડતી કારનો બનાવ્યો હતો વીડિયો
અકસ્માતની તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. તપાસમાં જન્મદિવસની પાર્ટીનું બિલ મળ્યું હતું, જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચકાસતા અકસ્માત પહેલાંનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં BMW કાર આશરે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળી હોવાનું કહેવાય છે.
પોલીસને આશંકા છે કે યુવાનો હાઈ-સ્પીડ ડ્રાઇવિંગનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરવાની તૈયારીમાં હતા. આ દરમિયાન સ્પીડ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા માટે જોખમી સ્ટંટ અને હાઈ-સ્પીડ ડ્રાઇવિંગના વીડિયો બનાવવાની વૃત્તિ વધી રહી છે, જેના કારણે અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે.
આ પણ વાંચો: 4 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : તો બીજી તરફ 5થી વધુ રાજ્યોમાં હીટવેવની ચેતવણી! જાણો લેટેસ્ટ અપડેટ
ટક્કર એટલી ભયાનક કે એન્જિન 30 મીટર દૂર જઈ પડ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે BMW કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો. ટક્કરની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારનું એન્જિન વાહનમાંથી અલગ થઈને લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક્સપ્રેસવે પર લગાવવામાં આવેલા કાંકરીટના બેરિકેડથી બચવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અત્યંત ઝડપના કારણે વાહન સીધું ડિવાઇડર સાથે અથડાયું. અથડામણ બાદ કાર હવામાં ઉછળી ગઈ હતી અને ડિવાઇડરના બે ભાગોની વચ્ચે જઈને પડી હતી. અકસ્માત બાદ કારની હાલત એવી બની ગઈ હતી કે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. વાહનના અનેક ભાગો રસ્તા પર વિખેરાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર અકસ્માતના ભયાનક દ્રશ્યોનો સાક્ષી બન્યો હતો.
પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટનાની હૃદયદ્રાવક ક્ષણો
ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે એક્સપ્રેસવે નજીક હતો ત્યારે તેણે BMW કારને બે વખત અત્યંત ઝડપે પસાર થતી જોઈ હતી. થોડા સમય બાદ અચાનક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને તે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં પહોંચતા જ તેણે જોયું કે કાર સંપૂર્ણપણે પલટી ગઈ હતી. એક યુવતી રસ્તા પર દૂર ફેંકાઈ ગઈ હતી, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યો હતો. ત્રીજો યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. કારના ટુકડા ચારેબાજુ ફેલાયેલા હતા. પ્રત્યક્ષદર્શીએ તરત જ એક્સપ્રેસવે પેટ્રોલિંગ ટીમને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં એકત્ર થયા હતા.





