IPL 2026 Sanju Samson: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની એક હાઈ-વોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રને કારમી હાર આપી છે. આ મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ચેન્નાઈની ટીમ આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો.
સંજુ સેમસનનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સીઝનના સૌથી મોટા 'ટ્રેડ' રહેલા સંજુ સેમસનનું બેટ ફરી એકવાર શાંત રહ્યું. સંજુ સતત ત્રીજી મેચમાં ડબલ ડિજિટ (બે આંકડા) સુધી પણ પહોંચી શક્યો નહીં અને સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થઈને પેવેલિયન ભેગો થયો. માત્ર એક મહિના પહેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સંજુના ફોર્મમાં આવેલા આ અચાનક ઘટાડાએ ચાહકો અને નિષ્ણાતોને હેરાન કરી દીધા છે. નવી બોલ સામે તેની નબળાઈ ટીમ માટે મોટી સમસ્યા બની રહી છે.
શું જાડેજા અને સેમ કરનનો ત્યાગ મોંઘો પડ્યો?
ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ પાસેથી સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તેના બે સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓ રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને છોડવાનું મોટું જોખમ ઉઠાવ્યું હતું. ટીમ મેનેજમેન્ટ તેને મહેન્દ્ર સિંહ ધોનીના લાંબા ગાળાના ઉત્તરાધિકારી તરીકે જોઈ રહ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ નિર્ણય સાચો સાબિત થતો દેખાઈ રહ્યો નથી. સંજુની સતત નિષ્ફળતા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું બે મેચ વિનર ઓલરાઉન્ડરોને ગુમાવીને એક વિકેટકીપર-બેટ્સમેનને લેવો એ ટીમના સંતુલનને બગાડી ચૂક્યું છે?
કોચ સ્ટીફન ફ્લેમિંગે શું કહ્યું?
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે સંજુ સેમસનનો બચાવ કરતા કહ્યું કે કોઈપણ ખેલાડી માટે નવી ફ્રેન્ચાઈઝીમાં સેટ થવું સરળ હોતું નથી, ખાસ કરીને જ્યારે તે વર્ષો સુધી બીજી ટીમનો હિસ્સો રહ્યો હોય. સંજુ અત્યારે ટીમની પ્રક્રિયા સાથે જોડાઈ રહ્યો છે અને તેને થોડા સમયની જરૂર છે." કોચે એ પણ સ્પષ્ટ કર્યું કે ટીમ મેનેજમેન્ટ સંપૂર્ણપણે સંજુની સાથે છે અને તેને પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે શક્ય તમામ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
શું છેલ્લી 5 ઓવરોએ મેચનો પલટો ફેરવી નાખ્યો?
નવાઈની વાત એ છે કે CSK એ શરૂઆતની 15 ઓવર સુધી RCB ના બેટ્સમેનો પર લગામ કસી રાખી હતી, પરંતુ છેલ્લી 5 ઓવરમાં મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ. આ છેલ્લી 30 બોલમાં ચેન્નાઈના બોલરોએ 97 રન લૂંટાવ્યા હતા. હવે સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ દિવસના બ્રેક પર રહેશે. ટીમની આગામી મેચ 11 એપ્રિલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. કોચ ફ્લેમિંગને આશા છે કે આગામી મેચ સુધીમાં મધ્યમ ક્રમનો બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ ફિટ થઈને ટીમમાં પરત ફરશે, જેનાથી ટીમની બેટિંગ મજબૂત થશે.




