Home Sports IPL 2026 Ipl 2026 Punjab Kings 265 Run Chase History

પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યને માર્યો પંચ! : રવિ શાસ્ત્રીની કોમેન્ટ્રી સાથેનો આ વીડિયો વાયરલ

Preity Zinta And Priyansh Arya
Image Credit: IPL
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 12:49 PM IST

IPL 2026 : IPL 2026 ની સિઝનમાં શનિવારની રાત ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં અશક્ય લાગતો સ્કોર ચેઝ કરીને માત્ર મેચ જ નહીં, પણ ચાહકોના દિલ પણ જીતી લીધા છે. મેદાન પર રમતની સાથે સાથે ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા અને યુવા ખેલાડી પ્રિયાંશ આર્ય વચ્ચેની હળવી પળોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

વર્લ્ડ રેકોર્ડ રન ચેઝ

દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સે 265 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. IPL ના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ છે. એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે T20 ક્રિકેટમાં પણ પંજાબ કિંગ્સે આટલો મોટો સ્કોર ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

ઓપનરોનો તોફાની અંદાજ

મેચની શરૂઆતથી જ પંજાબના ઈરાદા સ્પષ્ટ હતા. ઓપનર પ્રભસિમરન સિંહે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેને માત્ર 26 બોલમાં 76 રન ફટકારીને ટીમને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેની સાથે પ્રિયાંશ આર્યએ પણ માત્ર 17 બોલમાં 43 રન બનાવીને દિલ્હીના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. આ જોડીએ માત્ર 6.5 ઓવરમાં 126 રન જોડીને જીતનો પાયો નાખ્યો હતો.

કેપ્ટનની ફિનિશિંગ ઇનિંગ

જ્યારે ઓપનરો આઉટ થયા ત્યારે જીતની જવાબદારી કેપ્ટન શ્રેયસ ઐયરના ખભા પર આવી હતી. શ્રેયસે ખૂબ જ શાંતિ અને આક્રમકતાનું મિશ્રણ બતાવ્યું હતું. શ્રેયસે 36 બોલમાં નોટઆઉટ 71 રન બનાવીને ટીમને વિજય રેખા સુધી પહોંચાડી હતી. પંજાબે 7 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક પૂરો કર્યો હતો. શ્રેયસની આ ઇનિંગે સાબિત કર્યું કે, શા માટે તે પંજાબ કિંગ્સ માટે સૌથી મહત્વનો ખેલાડી છે.

વાયરલ થયો મુક્કો અને મસ્તી

ટીમની આ ઐતિહાસિક જીત બાદ પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા મેદાન પર દોડી આવી હતી. તે દરેક ખેલાડીને ઉત્સાહપૂર્વક મળી રહી હતી. આ દરમિયાન જ્યારે તે પ્રિયાંશ આર્ય પાસે પહોંચી ત્યારે તેને મજાકમાં પ્રિયાંશને હળવો મુક્કો માર્યો હતો. આ જોઈને પ્રિયાંશ પણ હસવા લાગ્યો હતો. કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ આ દ્રશ્ય જોઈને તરત જ પ્રતિક્રિયા આપી હતી કે "ઓહ તે એક સારો મુક્કો હતો." આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હીની લડાયક બેટિંગ

દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 264 રન બનાવ્યા હતા, જે સામાન્ય રીતે કોઈપણ ટીમ માટે જીતવા માટે પૂરતા હોય છે. દિલ્હી તરફથી નીતિશ રાણાએ શાનદાર 91 રન બનાવ્યા હતા. તેને અને રાહુલે બીજી વિકેટ માટે 220 રનની રેકોર્ડ પાર્ટનરશીપ નોંધાવી હતી. જોકે, પંજાબના બેટ્સમેનોએ આ પહાડ જેવા સ્કોરને પણ નાનો સાબિત કરી દીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now