Apple એ દાવો કર્યો છે કે તેણે App Store પર મોટા પાયે થતા ઓનલાઈન ફ્રોડ (છેતરપિંડી) ને રોકીને iPhone યુઝર્સને ભારે આર્થિક નુકસાનમાંથી બચાવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, માત્ર છેલ્લા એક વર્ષમાં જ તેણે આવા નકલી ટ્રાન્ઝેક્શન રોકી દીધા છે જેની કુલ કિંમત આશરે 2.2 બિલિયન ડોલર એટલે કે લગભગ 18,000 કરોડ રૂપિયા હતી. Apple નું કહેવું છે કે તેની કડક એપ રિવ્યૂ પ્રક્રિયા અને એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમે લાખો યુઝર્સને સ્કેમ, નકલી પેમેન્ટ અને ખતરનાક એપ્સની જાળમાં ફસાતા બચાવ્યા છે.
છ વર્ષમાં 11 અબજ ડોલરથી વધુના ફ્રોડ પર રોક
Apple ના જણાવ્યા મુજબ, છેલ્લા છ વર્ષ દરમિયાન App Store એ 11.2 બિલિયન ડોલરથી વધુના છેતરપિંડીવાળા વ્યવહારોને બ્લોક કર્યા છે. કંપની સતત એવી એપ્સ અને ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે જે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. આમાં નકલી સબ્સ્ક્રિપ્શન, નકલી પેમેન્ટ સિસ્ટમ, સ્કેમ એપ્સ અને નુકસાન પહોંચાડનારા સોફ્ટવેર શામેલ છે. Apple નું કહેવું છે કે તેની સુરક્ષા વ્યવસ્થા સતત આ જોખમોની ઓળખ કરતી રહે છે જેથી યુઝર્સને સુરક્ષિત અનુભવ મળી શકે.
હવે ઘરે બેઠા AirPodsથી થશે Hearing Test : Appleનું ભારતમાં મોટું હેલ્થ અપડેટ
દર અઠવાડિયે 85 કરોડથી વધુ લોકો કરે છે App Store નો ઉપયોગ
Apple એ જણાવ્યું કે દુનિયાના 175 દેશોમાં દર અઠવાડિયે 850 મિલિયન એટલે કે 85 કરોડથી વધુ લોકો App Store ની મુલાકાત લે છે. આટલા મોટા યુઝર બેઝના કારણે સુરક્ષા જાળવી રાખવી એ એક મોટો પડકાર છે. આ જ કારણોસર કંપની માનવ નિષ્ણાતોની ટીમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) બંનેનો ઉપયોગ કરે છે. આની મદદથી નકલી રિવ્યૂ, માલવેર, નકલી એપ્સ અને નાણાકીય છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને સમયસર ઓળખી લેવામાં આવે છે, જેથી તે સામાન્ય યુઝર્સ સુધી પહોંચી જ ન શકે.
90 લાખથી વધુ એપ સબમિશનની થઈ તપાસ
કંપનીના App Review વિભાગે આ વર્ષે 9.1 મિલિયન એટલે કે 91 લાખથી વધુ એપ સબમિશન અને અપડેટ્સની સમીક્ષા કરી. આમાંથી 20 લાખથી વધુ એપ્સ અને અપડેટ્સને રિજેક્ટ કરવામાં આવ્યા કારણ કે તેઓ App Store ની નીતિઓનું પાલન નહોતા કરી રહ્યા. Apple ના જણાવ્યા અનુસાર, ઘણી એપ્સ યુઝર્સને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, કેટલીક એપ્સમાં છુપા ફીચર્સ હતા, જ્યારે કેટલીક સીધી રીતે નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલી જોવા મળી હતી. આવી એપ્સને પ્લેટફોર્મ પર આવતા પહેલા જ રોકી દેવામાં આવી હતી.
મંજૂરી મળ્યા પછી પણ હટાવવામાં આવી હજારો એપ્સ
Apple એ એવો પણ ખુલાસો કર્યો છે કે તેણે લગભગ 59,000 એપ્સને પાછળથી App Store પરથી હટાવવી પડી હતી. શરૂઆતમાં આ એપ્સ સામાન્ય ગેમ્સ અથવા ઉપયોગી ટુલ્સ તરીકે રજૂ કરવામાં આવી હતી અને સમીક્ષા પ્રક્રિયામાં પાસ પણ થઈ ગઈ હતી. જો કે, પાછળથી અપડેટ્સ દ્વારા તેમના વર્તનમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેમને સ્કેમ પ્લેટફોર્મમાં ફેરવી દેવામાં આવી. કંપનીનું કહેવું છે કે સાયબર ગુનેગારો અવારનવાર પહેલા સમીક્ષા પ્રક્રિયા પાર કરવાનો પ્રયાસ કરે છે અને પછીથી આપેલા અપડેટ્સમાં છેતરપિંડીવાળી પ્રવૃત્તિઓ ઉમેરી દે છે.
નકલી એકાઉન્ટ્સ અને બાળકો માટે અસુરક્ષિત એપ્સ પર પણ કાર્યવાહી
Apple એ લગભગ 1.1 બિલિયન એટલે કે 110 કરોડ નકલી એકાઉન્ટ બનાવવાની કોશિશોને પણ રોકી છે. આવા એકાઉન્ટ્સનો ઉપયોગ સામાન્ય રીતે સ્પામ ફેલાવવા, નકલી રિવ્યૂ પોસ્ટ કરવા અને એપ રેન્કિંગને ખોટી રીતે પ્રભાવિત કરવા માટે કરવામાં આવે છે. આ સિવાય કંપનીએ Kids કેટેગરીમાં રહેલી 5,000 થી વધુ એપ્સને પણ અસ્વીકાર કરી દીધી કારણ કે તેઓ બાળકોની સુરક્ષા અને વાલીઓની ગુપ્તતા (પ્રાઇવસી) ને લગતી માર્ગદર્શિકાનું પાલન નહોતી કરી રહી.
રિચાર્જ વગર કેટલા દિવસ એક્ટિવ રહે છે Jio SIM? : TRAI ના નિયમે દૂર કરી મૂંઝવણ
યુઝર્સની સુરક્ષા પર વધ્યો ફોકસ
ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ ફ્રોડના વધતા જતા કિસ્સાઓ વચ્ચે Apple નો આ દાવો દર્શાવે છે કે ટેક કંપનીઓ હવે સુરક્ષાને પહેલા કરતા વધુ પ્રાથમિકતા આપી રહી છે. જો કે, કોઈપણ પ્લેટફોર્મ પરથી જોખમ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતું નથી, પરંતુ નિયમિત તપાસ, AI આધારિત દેખરેખ અને કડક નિયમો યુઝર્સને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવામાં iPhone યુઝર્સને પણ માત્ર ભરોસાપાત્ર એપ્સ ડાઉનલોડ કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.





