Jet Fuel Price Drop: એવિએશન સેક્ટર માટે વૈશ્વિક બજારમાંથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ઉંચા ભાવે ચાલી રહેલા જેટ ફ્યુઅલ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે 27 ટકા જેટલો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નરમ પડતા વિદેશી ફ્લાઇટ્સ માટે ઇંધણના ભાવમાં સીધો ફાયદો મળ્યો છે. જોકે, આ રાહત માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પૂરતી જ સીમિત છે, કારણ કે દેશની અંદર ઉડાન ભરતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ઘટાડા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં પ્રતિ કિલોલીટર 400 અમેરિકન ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો ઘટીને આશરે 1,100 ડોલર પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જે ભારતીય ચલણમાં લગભગ 1,05,000 રૂપિયા જેટલી થાય છે. નોંધનીય છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટને કારણે એપ્રિલ અને મે મહિનામાં આ કિંમતો આસમાને પહોંચી હતી, જે હવે સામાન્ય થઈ રહી છે.
ઘરેલું ફ્લાઇટ્સના ભાવ કેમ યથાવત?
બીજી તરફ, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ATFના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. એરલાઇન કંપનીઓએ ઘરેલું સપ્લાય માટે હજુ પણ 1,04,927.18 રૂપિયા પ્રતિ કિલોલીટરના જૂના ભાવ ચૂકવવા પડશે. નિષ્ણાતોના મતે, મે મહિનામાં જ્યારે વૈશ્વિક સ્તરે ભાવ આસમાને હતા ત્યારે પણ સરકારી ફ્યુઅલ રિટેલ કંપનીઓએ મુસાફરો પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે કિંમતો વધારી ન હતી અને નુકસાન જાતે સહન કર્યું હતું. આથી, અત્યારે જ્યારે વૈશ્વિક સ્તરે ભાવ ઘટ્યા છે, ત્યારે કંપનીઓ ઘરેલું સપ્લાય પર થઈ રહેલા અગાઉના નુકસાનને સરભર કરવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારી નીતિ અને સંતુલિત પગલું
ભારતમાં જેટ ફ્યુઅલની કિંમતો બે દાયકા પહેલાં જ નિયંત્રણ-મુક્ત (ડિરેગ્યુલેટેડ) કરી દેવામાં આવી હતી, જેથી આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબે ભાવ નક્કી થાય છે. પરંતુ વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિમાં સરકારે ખૂબ જ સંતુલિત અભિગમ અપનાવ્યો છે. સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે માર્કેટ લિંક્ડ રેટ લાગુ રાખ્યા છે, પરંતુ દેશના સામાન્ય નાગરિકોને અસર ન થાય તે માટે ઘરેલું ફ્લાઇટ્સની કિંમતોને નિયંત્રણમાં રાખીને મોટી રાહત આપી છે.
એપ્રિલથી જૂન સુધીનો ઘટનાક્રમ
એપ્રિલ: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું ફ્લાઇટ્સ માટે ભાવમાં આંશિક વધારો કર્યો હતો, જ્યારે પ્રાઇવેટ જેટ્સ માટે મોટો વધારો ઝીંક્યો હતો.
મે: વૈશ્વિક સ્તરે ભાવ વધ્યા હોવા છતાં, ગ્રાહકોને રાહત આપવા માટે ઘરેલું ફ્લાઇટ્સના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
જૂન: હવે જૂન મહિનાની શરૂઆતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ભાવમાં ઘટાડો થતા મુસાફરો અને એરલાઇન્સને મોટી રાહત મળી છે.
આ ઘટાડા બાદ આગામી સમયમાં વિદેશ પ્રવાસના ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જે સામાન્ય નાગરિકો અને પર્યટકો માટે સારા સમાચાર છે.





