ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક HDFC Bank દ્વારા 1 જૂન, 2026 થી કેશ ડિપોઝિટ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કરંટ એકાઉન્ટ અને અન્ય કેટલીક કેટેગરીના ખાતાધારકો માટે નાના મૂલ્યની નોટો અને સિક્કા જમા કરાવવાના નિયમો બદલાયા છે. બેન્કની સત્તાવાર જાહેરાત મુજબ હવે ₹20 અથવા તેનાથી ઓછી કિંમતની નોટો અને સિક્કા જમા કરાવવા માટે માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
બેન્કની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, અગાઉ નાના મૂલ્યની નોટો અને સિક્કાઓના કેશ ડિપોઝિટ માટે કોઈ નિશ્ચિત માસિક ફ્રી લિમિટ ન હતી. જોકે આવા ડિપોઝિટ પર અલગથી ચાર્જ લેવામાં આવતો હતો. હવે નવી વ્યવસ્થા હેઠળ ગ્રાહકોને નિશ્ચિત મર્યાદા સુધી રાહત આપવામાં આવશે, પરંતુ મર્યાદા પાર થતા વધારાનો ચાર્જ લાગશે.
શું બદલાયું?
નવી ગાઇડલાઇન મુજબ ₹20 અથવા તેનાથી ઓછી કિંમતની નોટો માટે દર મહિને ₹10,000 સુધીનું કેશ ડિપોઝિટ ફ્રી રહેશે. જો ગ્રાહક આ મર્યાદાથી વધુ રકમ નાના મૂલ્યની નોટોમાં જમા કરાવશે તો વધારાની રકમ પર 2 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
તે જ રીતે સિક્કા જમા કરાવવા માટે દર મહિને ₹5,000 સુધીની ફ્રી લિમિટ નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા બાદ જમા થતી વધારાની રકમ પર 2 ટકા ચાર્જ લાગશે. અગાઉ ઘણા ખાતાઓમાં સિક્કા જમા કરાવવા માટે સીધો 5 ટકા સુધીનો ચાર્જ લાગતો હતો અને કોઈ ફ્રી લિમિટ ઉપલબ્ધ નહોતી.
આ પણ વાંચો: જૂનની શરૂઆત સાથે લાગુ થયા નવા નિયમો : UPIથી લઈને LPG અને PF સુધી મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર શું પડશે અસર?
કોને થશે સીધી અસર?
આ ફેરફાર ખાસ કરીને એવા વેપારીઓ, રિટેલ દુકાનદારો, મેડિકલ સ્ટોર્સ, નાના વ્યવસાયકારો અને રોજબરોજ મોટા પ્રમાણમાં નાના નોટો અથવા સિક્કાઓ સાથે વ્યવહાર કરતા ગ્રાહકોને અસર કરી શકે છે. કરંટ એકાઉન્ટ ધરાવતા વેપારીઓ માટે નાના મૂલ્યની કરન્સી જમા કરાવવી સામાન્ય પ્રક્રિયા હોય છે, તેથી હવે તેમને માસિક મર્યાદા અને વધારાના ચાર્જ અંગે વધુ સાવચેત રહેવું પડશે.
બેન્કે સ્પષ્ટ કર્યું છે કે 2 ટકાનો ચાર્જ સમગ્ર ડિપોઝિટ પર નહીં પરંતુ નક્કી કરાયેલી ફ્રી લિમિટ બાદની વધારાની રકમ પર લાગુ થશે. એટલે કે જો કોઈ ગ્રાહક ₹12,000 નાના નોટોમાં જમા કરાવે તો માત્ર વધારાના ₹2,000 પર જ ચાર્જ લાગશે.
આ પણ વાંચો: શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ? : એક ક્લિકથી બેંક ખાતું થઈ શકે છે ખાલી, PIBએ જાહેર કરી મોટી ચેતવણી
બેન્કિંગ ખર્ચ અને કામગીરી વચ્ચે સંતુલનનો પ્રયાસ
બેન્કિંગ નિષ્ણાતોના મતે નાના નોટો અને સિક્કાઓનું હેન્ડલિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ ખર્ચાળ પ્રક્રિયા હોય છે. આવા ડિપોઝિટ માટે અલગ માનવશક્તિ અને ગણતરી વ્યવસ્થાની જરૂર પડતી હોવાથી બેન્કો સમયાંતરે ચાર્જ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરતી રહે છે. નવી ફ્રી લિમિટથી નાના ગ્રાહકોને થોડી રાહત મળશે, જ્યારે મોટા પ્રમાણમાં નાના મૂલ્યની કરન્સી જમા કરાવતા ગ્રાહકો માટે ચાર્જિસ યથાવત રહેશે.
ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાના ખાતા સાથે જોડાયેલા અપડેટેડ ચાર્જ સ્ટ્રક્ચર અને નિયમો બેન્કની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખામાંથી ચકાસી લે.





