UPI New Rules: જો તમે Google Pay, PhonePe કે Paytm જેવા UPI એપ્સનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજના એટલે કે 1 જૂન, 2026 થી ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નાણાકીય છેતરપિંડીઓને રોકવા માટે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો (High-value transactions) માટે માત્ર 4 કે 6 અંકના પિન પર નિર્ભર રહેવાને બદલે સુરક્ષાના વધારાના સ્તર ઉમેરવામાં આવ્યા છે. હવેથી મોટા વ્યવહારો કરવા માટે યુઝર્સે માત્ર પિન જ નહીં, પરંતુ બાયોમેટ્રિક વેરિફિકેશન (FaceID/Fingerprint) અથવા ડિવાઇસ-આધારિત વેરિફિકેશન જેવી સુરક્ષા પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. આ પગલું ખાસ કરીને નાણાકીય કૌભાંડો સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવ્યું છે.
મોટા ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જરૂરી
નવા સુરક્ષા માળખા હેઠળ Google Pay, PhonePe અને Paytm જેવી UPI એપ્સ હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે માત્ર 4 અથવા 6 અંકના UPI PIN પર આધાર રાખશે નહીં. હવે મોટી રકમના ટ્રાન્ઝેક્શન દરમિયાન યુઝર્સને ફિંગરપ્રિન્ટ, Face ID અથવા અન્ય બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેટલાક કિસ્સાઓમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અથવા ડિવાઇસ આધારિત વેરિફિકેશન પણ જરૂરી બની શકે છે. આ પગલાનો મુખ્ય હેતુ સાયબર ઠગાઈ અને અનધિકૃત ટ્રાન્ઝેક્શનને રોકવાનો છે.
આ પણ વાંચો: નોકરિયાત વર્ગ માટે ખુશખબર: 1 જૂનથી ઈન્કમ ટેક્સના નિયમમાં મોટો ફેરફાર, હવે અમદાવાદમાં પણ મળશે 50% HRA છૂટ
પૈસા મોકલતા પહેલા દેખાશે લાભાર્થીનું સંપૂર્ણ નામ
ઘણી વખત લોકો ખોટા મોબાઇલ નંબર અથવા UPI ID પર પૈસા મોકલી દેતા હોય છે, જેના કારણે નાણાં પરત મેળવવામાં મુશ્કેલી સર્જાય છે. આ સમસ્યાને ઘટાડવા માટે UPI એપ્સમાં નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે. હવે કોઈપણ પેમેન્ટ કરતા પહેલા એપ્સ સુરક્ષિત ડેટાબેઝ મારફતે લાભાર્થીનું વેરિફાઇડ અને સંપૂર્ણ સત્તાવાર નામ દર્શાવશે. યુઝર નામ ચકાસ્યા પછી જ પેમેન્ટની પ્રક્રિયા આગળ વધારી શકશે. આથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાની સંભાવના ઘટશે.
ATM વિથડ્રૉલ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર
UPI દ્વારા કાર્ડલેસ ATMમાંથી રોકડ ઉપાડવાની સુવિધાનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ UPI આધારિત કાર્ડલેસ ATM ઉપાડ હવે બેંક દ્વારા આપવામાં આવતી માસિક મફત ATM વિથડ્રૉલ મર્યાદામાં ગણાશે. એટલે કે, જો ગ્રાહક મફત ઉપાડની મર્યાદા પાર કરશે તો સામાન્ય ATM ટ્રાન્ઝેક્શનની જેમ વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.
આ પણ વાંચો: સેન્સેક્સ અને નિફ્ટીમાં સપાટ કારોબાર: જાણો કયા શેરમાં તેજી અને કયા શેરમાં મંદી?





