અમેરિકામાં ટ્રમ્પયુગની શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાની કમાન સંભાળતા જ ધડાધડ નિર્ણયો લેવા લાગ્યા છે. 47માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા બાદ તેમણે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડરો પર સહી કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જૉ બાઈડનની સરકાર વખતે લેવામાં આવેલા 78 નિર્ણયોને રદ કરી દીધા છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક મોટા નિર્ણયો લીધા જેની તેમણે પોતાના પહેલા ભાષણમાં વાત કરી હતી.
1. માસ ડિપાર્ટેશન
ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચૂંટણી વાયદો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા ઈમિગ્રન્ટ્સનો દેશનિકાલનો છે. ચૂંટણી જીત્યા બાદ તેઓ અવારનવાર સંકેત આપી ચૂક્યા હતા કે તેઓ મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પર તવાઈ બોલાવશે. ટ્રમ્પે આરોપ લગાવ્યા હતા કે- બાઈડનના શાસનમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ આવીને વધ્યા, જેના કારણે અમેરિકામાં ગુનાખોરી વધી
2. મેક્સિકો સરહદ પર ઈમરજન્સી
અમેરિકા-મેક્સિકો સરહદ પર જે તમામ ગેરકાયદેસર પ્રવેશદ્વાર છે તેના પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ સરહદ પર ટ્રમ્પે ઈમરજન્સી લગાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અમેરિકા-મેક્સિકો સરહદ પરથી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા હોય છે.
3. અમેરિકામાં સ્ત્રી અને પુરૂષ બે જ જાતિ
અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડર વિકલ્પ હટાવવામાં આવ્યો છે. હવેથી અમેરિકામાં પુરૂષ અને સ્ત્રી બે જાતિ રહેશે. ટ્રમ્પના માનવા મુજબ ટ્રાન્સજેન્ડર કેટેગરી તેમના દેશની કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને કમજૌર બનાવે છે.
4. અન્ય દેશો પર ટેરિફ વધારાશે
ટ્રમ્પના કહેવા મુજબ અગાઉની સરકારો અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા આપણા દેશના નાગરિકો પર જ ટેરિફ વધારતી, પરંતુ હવે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે અન્ય દેશો પર ટેરિફ વધારીને અમેરિકાને સમૃદ્ધ બનાવીશું. 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે.
5. પનામા કેનાલ પરત મેળવવામાં આવશે
ડોનાલ્ડ ટ્રમ્પ પનામા કેનાલને હવે અમેરિકામાં પરત મેળવવા માગે છે. મહત્વનું છે કે આ નહેર પરથી પસાર થતા અમેરિકાના જહાજો પર જ વધારે કર વસૂલવામાં આવે છે. ટ્રમ્પ આ બાબતથી નારાજ છે. ટ્રમ્પના આરોપ મુજબ વર્ષ 1999માં અમેરિકાએ જ પનામાને આ કેનાલ આપી હતી, અને હવે આ કેનાલથી અમેરિકાને જ નુકસાન થઈ રહ્યુ છે. પનામા કેનાલ પર ચીનનું નિયંત્રણ છે.
6. WHOમાંથી અમેરિકા બહાર
અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. WHOએ પણ ટ્રમ્પના આ નિવેદન પર દુખ વ્યકત કરતા કહ્યુ- અમેરિકા માટે WHOએ ઘણુ કામ કર્યું છે. અને ટ્રમ્પ આ નિર્ણય પર પુન:વિચાર કરે. ટ્રમ્પના મતે WHOસૌથી વધારે ફંડ અમેરિકા પાસેથી મેળવે છે, પરંતુ લાભ બીજા દેશો મેળવે છે.
આ સિવાય ટ્રમ્પે કેટલાક એવા મોટા નિર્ણયો લીધા છે જેના કારણે અમેરિકાની જનતાને પણ દુનિયાના અનેક દેશોને ઝટકો લાગ્યો છે.અમેરિકા પેરિસ ક્લાઈમેન્ટ એગ્રિમેન્ટમાંથી બહાર નીકળી જશે. અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુન સ્થાપિત કરવામાં આવશે. અમેરિકામાં જન્મતા જ મળતી નાગરિકતા સમાપ્ત કરવામાં આવી છે.





