ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી શ્રીમંત નેતાઓમાંથી એક છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ બિઝનેસમેન રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં તેમનો કારોબાર ફેલાયેલો છે. ટ્રમ્પ પાસે એક કે બે નહીં પરંતુ અનેક આલિશાન ઘર છે. ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ અરબો ડૉલરની છે. ત્યારે હવે ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થયો છે, જેમાં ટ્રમ્પની સંપત્તિમાં હજી અનેકગણો વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અંદાજિત 7 અરબ ડૉલરની સંપત્તિ છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ ટ્રમ્પ પાસે 6.7 અરબ ડૉલરની સંપત્તિ છે. મતલબ કે ભારતીય રૂપિયા પ્રમાણે 57,978 કરોડ રૂપિયાની સંપત્તિ. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે વર્ષ 2016માં રાષ્ટ્રપતિ તરીકેની ઉમેદવારી જાહેર કરી હતી, ત્યારે ફોર્બ્સના રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ 4.5 અરબ ડૉલરની સંપત્તિ હતી. તે સમયે ટ્રમ્પે એવું કહ્યુ હતું કે આ અગાઉ તેમની પાસે 8 અરબ ડૉલરથી વધુની સંપત્તિ હતી. ટ્રમ્પ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કાર્યકાળમાં સંપત્તિમાં અનેકગણો ઘટાડો થયો. વર્ષ 2017થી 2021 સુધી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા ત્યારે તેમની સંપત્તિ માત્ર 2.1 અરબ ડૉલરની હતી. વર્ષ 2022માં ટ્રમ્પની સંપત્તિમાં ફરી એકવાર ઉછાળો થયો.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પની નેટવર્થનો સૌથી મોટો હિસ્સો ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ છે.. ટ્રમ્પની કુલ નેટવર્થની વહેંચણી કરીએ તો. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપની નેટવર્થ 5.6 અરબ ડૉલરની છે. 2024માં ટ્રમ્પ પાસે આ કંપનીના 114.75 મિલિયન શેર છે. રિયલ એસ્ટેટમાં 1.1 બિલિયન ડૉલરનું રોકાણ છે. ગોલ્ફ કલબ એન્ડ રિસોર્ટની 810 મિલિયન ડૉલરની માલિકી ટ્રમ્પ પાસે છે. રોકડ અને તે સિવાય અન્ય સંપત્તિની વાત કરીએ તો 510 મિલિયન ડૉલરની છે. હા પરંતુ અરબોની સંપત્તિ સામે ટ્રમ્પ પર 540 મિલિયન ડૉલરનું દેવું પણ છે.
રિયલ એસ્ટેટના કારોબારી
ડોનાલ્ડ ટ્રમ્પ રિયલ એસ્ટેટ ક્ષેત્રના પણ મોટા કારોબારી છે. ટ્રમ્પનું રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અમેરિકામાં મોટું નામ છે. ટ્રમ્પને આ કારોબાર વારસામાં મળ્યો છે. ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ ન્યૂયોર્કના સૌથી રિયલ એસ્ટેટ કારોબારીઓમાંથી એક હતા. ટ્રમ્પના પિતાએ તેમના પત્ની એલિઝાબેથ સાથે વર્ષ 1927માં રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી.વર્ષ 1971માં ડોનાલ્ડ ટ્રમ્પે પિતાનો કારોબાર સંભાળ્યો અને તેને ખૂબ આગળ વધાર્યો. ટ્રમ્પની કંપની લકઝુરિયસ ઈમારતોનું સૌથી વધારે નિર્માણ કરે છે. જેમ કે ટ્રમ્પ પેલેસ, ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ... દુનિયાના અનેક મોટા શહેરોમાં આ ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતમાં મુંબઈ અને પૂણેમાં ટ્રમ્પ ટાવર આવેલા છે... ગુરુગ્રામ અને કોલકત્તામાં આ ટ્રમ્પ ટાવરનું નિર્માણ થઈ રહ્યુ છે.
ટ્રમ્પને મળશે અધધ... પગાર!
ડોનાલ્ડ ટ્રમ્પના બિઝનેસમેન તરીકેની આવક તો તમે જાણી. પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, તો તેની પણ કરોડો રૂપિયાની સેલરી ટ્રમ્પ મેળવશે.અમેરિકામાં નિયમ અનુસાર રાષ્ટ્રપતિને વાર્ષિક 4 લાખ ડૉલર એટલે કે અંદાજે 3.46 કરોડ રૂપિયાનો પગાર ચૂકવાય છે. આ સિવાય 1.69 લાખ ડૉલર એટલે કે અંદાજિત 1.46 કરોડ રૂપિયાના વધારાના ભથ્થાનો લાભ ટ્રમ્પને મળશે. તે સિવાય 50 હજાર ડૉલરનો એક્સપેન્સ એલાઉન્સ પણ ચૂકવાય છે. આ સિવાય 1 લાખ ડૉલર ટ્રાવેલ માટે તો 19 હજાર ડૉલર મનોરંજન માટે અમેરિકાના રાષ્ટ્રપતિને અલગથી મળે છે. આ સિવાય રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ એરફોર્સ વન સ્પેશિયલ એરક્રાફ્ટમાં મુસાફરી કરી શકશે. આ વિમાનને ફલાઈંગ વ્હાઈટ હાઉસ પણ કહેવાય છે. આ વિમાનમાં એકસાથે 100 લોકો મુસાફરી કરી શકે છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ વિમાનમાં રાષ્ટ્રપતિ માટે વૈભવી સુવિધાઓ હોય છે.





