Home National Ins Mahendragiri Indian Navy Project 17a Stealth Frigate

સમુદ્રમાં ભારતનું નવું બ્રહ્માસ્ત્ર! : દુશ્મનના રડારને પણ ચકમો આપી મિસાઇલથી કરશે ઘાતક હુમલો, જાણો INS મહેન્દ્રગિરીની કેટલી છે તાકાત

INS Mahendragiri
Image Credit: @PBSHABD/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 11, 2026, 09:37 AM IST

INS Mahendragiri: ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શનિવારે વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી (F-38)ને સત્તાવાર રીતે કમિશન કર્યું. સંપૂર્ણપણે સ્વદેશી ક્ષમતાથી વિકસિત આ યુદ્ધજહાજ ભારતના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને નવી ઊંચાઈ આપતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધી રહેલી વ્યૂહાત્મક સ્પર્ધા અને ચીન સહિત અન્ય દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓ વચ્ચે INS મહેન્દ્રગિરીનું નૌસેનામાં સામેલ થવું ભારત માટે મહત્વપૂર્ણ સૈન્ય સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ યુદ્ધજહાજ માત્ર આધુનિક હથિયારોથી સજ્જ નથી, પરંતુ તેની સ્ટીલ્થ ટેક્નોલોજી, અદ્યતન રડાર સિસ્ટમ, મિસાઇલ ક્ષમતા અને બહુવિધ યુદ્ધ કામગીરી કરવાની શક્તિ તેને ભારતીય નૌસેનાના સૌથી શક્તિશાળી પ્લેટફોર્મમાં સ્થાન અપાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે INS મહેન્દ્રગિરી ભારતની સમુદ્રી સરહદોની સુરક્ષા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક હાજરી અને દરિયાઈ હિતોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Project 17A હેઠળ તૈયાર થયેલું અત્યાધુનિક યુદ્ધજહાજ

INS મહેન્દ્રગિરી Project 17A (Nilgiri Class) હેઠળ બનાવવામાં આવેલ છઠ્ઠું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. આ જહાજનું ડિઝાઇન ભારતીય નૌસેનાના Warship Design Bureau દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્માણ મુંબઈની Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજમાં 75 ટકા કરતાં વધુ સ્વદેશી ટેક્નોલોજી અને ભારતીય ઉદ્યોગોના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રની વધતી ક્ષમતાનો પુરાવો છે. આ પ્રોજેક્ટમાં દેશના અનેક MSME સહિતના સ્થાનિક ઉદ્યોગોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

?s=20

દુશ્મનના રડારને ચકમો આપવાની ક્ષમતા

INS મહેન્દ્રગિરીની સૌથી મોટી વિશેષતા તેની સ્ટીલ્થ ડિઝાઇન છે. આ ડિઝાઇનના કારણે યુદ્ધ દરમિયાન દુશ્મનના રડાર માટે આ જહાજને શોધવું અને ટ્રેક કરવું અત્યંત મુશ્કેલ બને છે. ઓછી રડાર સિગ્નેચર, આધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને અદ્યતન સેન્સર તેને સમકાલીન યુદ્ધ માટે અત્યંત અસરકારક બનાવે છે.

આ પણ વાંચો: સમુદ્રમાં વધુ તાકતવર બનશે ભારત! : ભારતીય નૌકાદળમાં સામેલ થશે સ્વદેશી સ્ટેલ્થ યુદ્ધજહાજ 'INS મહેન્દ્રગિરી'

આ જહાજમાં સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ ઉપરાંત સબમરીન વિરોધી અત્યાધુનિક હથિયારો પણ લગાવવામાં આવ્યા છે. તે હવાઈ હુમલા, દરિયાઈ સપાટી પરના હુમલા અને પાણીની અંદર રહેલા જોખમો સામે એકસાથે અસરકારક કાર્યવાહી કરી શકે છે. જહાજમાં સ્થાપિત Integrated Combat Management System યુદ્ધ દરમિયાન વિવિધ હથિયાર અને સેન્સર સિસ્ટમ વચ્ચે ઝડપી સંકલન સુનિશ્ચિત કરે છે.

લાંબા અંતરના મિશન માટે પણ સક્ષમ

INS મહેન્દ્રગિરીમાં Combined Diesel or Gas (CODOG) પ્રોપલ્શન સિસ્ટમ આપવામાં આવી છે, જેના કારણે તે લાંબા અંતરની કામગીરી અને ઊંચી ઝડપે મિશન પૂર્ણ કરવામાં સક્ષમ છે. યુદ્ધ સિવાય આ જહાજ દરિયાઈ સુરક્ષા, શોધ અને બચાવ અભિયાન (Search and Rescue), માનવતાવાદી સહાય (HADR) અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મિશનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લાંબા સમય સુધી તૈનાત રહેવાની તેની ક્ષમતા ભારતીય નૌસેનાની કામગીરીને વધુ અસરકારક બનાવશે.

ભારતની દરિયાઈ સુરક્ષા માટે કેમ મહત્વનું છે INS મહેન્દ્રગિરી?

તાજેતરના વર્ષોમાં ઇન્ડો-પેસિફિક અને હિંદ મહાસાગર વિસ્તારમાં વ્યૂહાત્મક સ્પર્ધા સતત વધી રહી છે. વિવિધ દેશોની વધતી દરિયાઈ હાજરીને ધ્યાનમાં રાખીને ભારત પોતાની નૌસેનાને સતત આધુનિક બનાવી રહ્યું છે. INS મહેન્દ્રગિરી Project 17A હેઠળ જૂના યુદ્ધજહાજોની જગ્યાએ વધુ આધુનિક, નેટવર્ક આધારિત અને અત્યાધુનિક ક્ષમતાવાળા સ્ટીલ્થ ફ્રિગેટ તરીકે સેવા આપશે. આગામી સમયમાં આ શ્રેણીના વધુ યુદ્ધજહાજો નૌસેનામાં જોડાતા ભારતની દરિયાઈ સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

રાજનાથ સિંહે ગણાવ્યું 'આત્મનિર્ભર ભારત'નું પ્રતિક

કમિશનિંગ સમારોહ દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, INS મહેન્દ્રગિરી ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાનું જીવંત પ્રતિક છે. તેમણે કહ્યું કે આ યુદ્ધજહાજ દેશના MSME, સંરક્ષણ ઉદ્યોગ અને ભારતીય એન્જિનિયરિંગ ક્ષમતાની સફળતાનો પુરાવો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો સૌથી જવાબદાર ભાગીદાર છે અને ભારતીય નૌસેના દેશના દરિયાઈ હિતોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો: અમરનાથમાં હિમલિંગ કેમ ઓગળી ગયું? : વૈજ્ઞાનિકોએ જણાવ્યું એવું કારણ જે દરેકે જાણવું જોઈએ

રાજનાથ સિંહે આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભવિષ્યના જોખમો પરંપરાગત યુદ્ધ જેવા નહીં હોય, તેથી સશસ્ત્ર દળોએ સતત પોતાની ક્ષમતાઓમાં વધારો કરવો જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર સૈનિકોને વિશ્વસ્તરીય હથિયારો, ટેક્નોલોજી અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં કોઈ કસર છોડશે નહીં.

આંધ્રપ્રદેશને ડિફેન્સ અને ડ્રોન હબ બનાવવાની જાહેરાત

આ પ્રસંગે રાજનાથ સિંહે આંધ્રપ્રદેશને દેશના આગામી મોટા ડિફેન્સ અને ડ્રોન હબ તરીકે વિકસાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે જેમ સુરત હીરા ઉદ્યોગ માટે અને બેંગલુરુ ટેક્નોલોજી માટે જાણીતું છે, તેમ આંધ્રપ્રદેશ ભવિષ્યમાં ડ્રોન અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. આ દિશામાં સરકાર મોટા પાયે રોકાણ અને આધુનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now