Home Gujarat Indroda Nature Park Heatwave Relief Wildlife Gandhinagar

ગુજરાતની કાળઝાળ ગરમીથી વન્યજીવોને બચાવવા ખાસ ‘કૂલિંગ સિસ્ટમ’ : ઈન્દ્રોડા પાર્કમાં કરાઈ વિશેષ વ્યવસ્થા

Indroda Park
Published by: Aryan Shah
Last Updated: May 29, 2026, 09:41 AM IST

Indroda Park : સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અસહ્ય તાપ અને લૂના કારણે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગરના પ્રખ્યાત ઈન્દ્રોડા નેચર પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોક અને ભયંકર ગરમીથી બચાવવા માટે વન વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે વન વિભાગે વિશેષ ટેકનોલોજી અને આહાર પ્રણાલીનો ઉપયોગ શરૂ કર્યો છે.

આધુનિક ટેકનોલોજીથી ઊભું કરાયું ‘માઇક્રો ક્લાઇમેટ’

ઈન્દ્રોડા પાર્કમાં હાલમાં 600 થી વધુ નાના-મોટા વન્યજીવો વસવાટ કરે છે. આ અબોલ જીવોને કાળઝાળ ગરમી અને લૂથી સુરક્ષિત રાખવા માટે પાર્કમાં એક આધુનિક ‘માઇક્રો ક્લાઇમેટ’ એટલે કે કૃત્રિમ ઠંડકવાળું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા માંસાહારી પ્રાણીઓના પાંજરા અને સર્પગૃહમાં 15 જેટલા મોટા જમ્બો એર કૂલર્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક જાળવી રાખવા માટે 20 જેટલા હાઇ-પ્રેશર સ્પ્રીન્ક્લર્સ (ફુવારા) સતત ચાલુ રાખવામાં આવે છે.

અમદાવાદથી માત્ર 25 કિમી દૂર: એક એવી જગ્યા જ્યાં આજે પણ ડાયનોસોરનો અહેસાસ થાય છે!

તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો

વન વિભાગના આ વિશેષ પ્રયાસોના કારણે પ્રાણીઓના રહેઠાણમાં ગરમીથી મોટી રાહત મળી છે. પાર્કમાં ખસના પડદા અને એગ્રોનેટ શેડ (ગ્રીન નેટ) નો સ્માર્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના કારણે પ્રાણીઓના આવાસનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે, જેનાથી વન્યજીવોને અસહ્ય તાપમાંથી મોટી શાંતિ મળી છે.

ખોરાક અને ડાયેટ પ્લાનમાં મોટો ફેરફાર

ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વન્યજીવોના રોજિંદા ખોરાકમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ગરમીના દિવસોમાં ભારે ખોરાક પચાવવામાં તકલીફ ન પડે તે માટે હિંસક અને માંસાહારી પ્રાણીઓને આપવામાં આવતા માંસના જથ્થામાં 1 કિલો સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારથી પ્રાણીઓનું પાચનતંત્ર સારું રહે છે અને તેઓ સ્વસ્થ રહે છે.

ભારતનો 'જ્યુરાસિક પાર્ક': અમદાવાદની નજીક આવેલા આ પાર્કમાં જોવા મળશે 6 કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો

પક્ષીઓ અને તૃણાહારી પ્રાણીઓ માટે ખાસ વિટામિન્સ

બીજી તરફ, પક્ષીઓ અને શાકાહારી (તૃણાહારી) પ્રાણીઓના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તેમને નિયમિત રીતે તરબૂચ, સક્કરટેટી અને કાકડી જેવા પાણીથી ભરપૂર ફળો આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે પીવાના પાણીમાં વિટામીન-સી અને ORS પાઉડર પણ ભેળવીને આપવામાં આવે છે, જેથી તેમના શરીરમાં એનર્જી જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now