Home Gujarat Indias First Barrierless Toll Plaza Launched In Surat Tax Will Be Deducted Without Parking The Vehicle

હવે ટોલ નાકા પર 'ગેટ' નહીં નડે : સુરતમાં દેશનો પ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા શરૂ, વાહન ઊભું રાખ્યા વગર કપાશે ટેક્સ

હવે ટોલ નાકા પર 'ગેટ' નહીં નડે
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 06:07 AM IST

સુરત: ગુજરાતના ડાયમંડ સિટી સુરતે ફરી એકવાર દેશને નવી દિશા ચીંધી છે. સુરતના કામરેજ ખાતે દેશનો સૌપ્રથમ 'બેરિયરલેસ' મલ્ટી-લેન ફ્રી-ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે. ભરૂચ-સુરત હાઈવે પર આવેલા 'ચોર્યાસી ટોલ પ્લાઝા' પર હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડશે નહીં કે કોઈ આડા અવરોધ (બેરિયર) સામે થોભવું પડશે નહીં. ₹15 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારતના હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મોટી ક્રાંતિ સમાન માનવામાં આવી રહ્યો છે.

શું છે આ 'બેરિયરલેસ' ટેકનોલોજી?

સામાન્ય રીતે ટોલ પ્લાઝા પર વાહન આવે ત્યારે ફાસ્ટેગ સ્કેન થાય અને ગેટ ખુલે પછી વાહન આગળ વધતું હોય છે, જેના કારણે ટ્રાફિક સર્જાય છે. પરંતુ સુરતના આ હાઈટેક પ્લાઝા પર કોઈ ગેટ જ નથી! અહીં અત્યાધુનિક ANPR (Automatic Number Plate Recognition) કેમેરા અને લિડાર-રડાર સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. વાહન જેવું હાઈવે પરથી પસાર થાય, કેમેરા તેની નંબર પ્લેટ અને ફાસ્ટેગ સ્કેન કરી લે છે અને વાહનચાલકના એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે.

સમય અને ઈંધણની થશે મોટી બચત

ચોર્યાસી ટોલ પ્લાઝા પરથી દરરોજ અંદાજે 25 હજાર વાહનો પસાર થાય છે અને દૈનિક રૂ. 60 લાખનું ટોલ કલેક્શન થાય છે. અગાઉ વાહનો ઊભા રહેવાને કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી. હવે વાહનો પોતાની નિર્ધારિત ગતિએ સીધા જ પસાર થઈ શકશે, જેનાથી મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, વાહનો વારંવાર ચાલુ-બંધ ન કરવા પડતા હોવાથી ઈંધણની બચત થશે, વાહનોના ધુમાડામાં ઘટાડો થતા પર્યાવરણનું પ્રદૂષણ પણ અટકશે.

અત્યાધુનિક કંટ્રોલ રૂમ દ્વારા દેખરેખ

આ સમગ્ર હાઈટેક પ્રોસેસ પર નજર રાખવા માટે પ્લાઝા પાસે એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ વાહનનું ફાસ્ટેગ સ્કેન ન થાય અથવા બેલેન્સ ન હોય, તો રડાર અને કેમેરાની મદદથી તેની માહિતી તુરંત મળી જશે. આ સિસ્ટમ 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝનને સાચા અર્થમાં સાર્થક કરે છે.

દેશભરના હાઈવે માટે બનશે રોલ મોડલ

સુરતની આ સફળ પહેલ બાદ આગામી સમયમાં દેશના અન્ય વ્યસ્ત હાઈવે પર પણ આ જ પ્રકારે ફ્રી-ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે ટેકનોલોજીના ઉપયોગથી મુસાફરી કેટલી સરળ અને તણાવમુક્ત બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now